Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત

સૌથી વધુ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે નિયમ લાગુ: દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ જરૂરી

નવી દિલ્હી :દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય  દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરતા સૌથી વધુ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ, એર સુવિધા પોર્ટલમાં સુધારો કરવામાં આવશે જેથી હાઈ રિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા લોકો અથવા ત્યાં 14 દિવસ સુધી રોકાયેલા લોકો માટે પ્રી-બુકિંગ કરી શકાય.

 જે 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ માત્ર 6 એરપોર્ટ પર તેને ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી આ ફેરફાર બાદ સિસ્ટમ સ્થિતિ જોઈ શકે. જો આ 6 એરપોર્ટ પર બધું બરાબર રહેશે તો અન્ય એરપોર્ટ પર પણ તેને ફરજિયાત બનાવી દેવામાં આવશે. RT-PCR ટેસ્ટ સામાન્ય રીતે વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણોને શોધવા, ટ્રેક કરવા અને તેનો અભ્યાસ કરવા માટે સૌથી સચોટ ટેસ્ટ માનવામાં આવે છે.

ભારતમાં કોરોના સંક્રમણ શોધવા માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. કેટલીક વાર એક દિવસમાં 15 હજાર જેટલા સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલનો રિપોર્ટ આવતા 8 કલાક જેટલો સમય લાગે છે. એવામાં હવે જો કોઈ મુસાફર જોખમવાળા દેશોમાંથી આવી રહ્યો છે, તો તેણે ભારતના 6 એરપોર્ટ પર ઉતરતા પહેલા RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ કરાવવું પડશે.
એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ કઈ રીતે કરવું?
1. સૌથી પહેલા જે શહેરમાં તમે આવો છો તેના ઈન્ટરનેશનલ એરપોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
2. વેબસાઈટની ટોપ પેનલ પર તમને 'બુક કોવિડ-19 ટેસ્ટ'નો વિકલ્પ દેખાશે.
3. હવે ટ્રાવેલ કરવા અંગે માહિતી આપો (દા.ત., આંતરરાષ્ટ્રીય આગમન એટલે કે ઇન્ટરનેશનલ અરાઈવલ)
4. નામ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, આધાર કાર્ડ/પાસપોર્ટ નંબર, સરનામું, એપોઈન્ટમેન્ટની તારીખ, ટાઈમ સ્લોટ જેવી બધી અંગત વિગતો ભરો.
5. બધી માહિતી ભર્યા બાદ જે ટેસ્ટ કરાવવું છે, તે પસંદ કરો. (દા.ત. RT-PCR, રેપિડ PCR ટેસ્ટ)

6. આ દરમિયાન પૂછવામાં આવતા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરો અને તમારા RT-PCR ટેસ્ટ માટે સ્લોટ બુક કરો.

RT-PCR ટેસ્ટ માટે યાત્રીએ 500 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે રેપિડ PCR ટેસ્ટ માટે 3,500 રૂપિયા ચૂકવવા પડશે. RT-PCR ટેસ્ટ છ-આઠ કલાકમાં આવશે. જ્યારે બીજો ટેસ્ટ એટલે કે રેપિડ PCR ટેસ્ટ પછી પરિણામ માત્ર 30 મિનિટથી દોઢ કલાકમાં આવી જશે. આ ઉપરાંત, મુસાફરો એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરી શકે છે અથવા બુકિંગને સંપૂર્ણ રીતે રદ પણ કરી શકે છે.

(9:59 pm IST)