Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

એલન મસ્ક આ વર્ષે સરકારને રૂ. 85,000 કરોડ ટેક્સ ચૂકવશે :અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર બનશે

મસ્કે ટ્વિટમાંં જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ બનશે

 

મુંબઈ :વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક હંમેશાં પોતાના સ્ટેટમેન્ટ્સને લઇને સમાચારોમાં રહે છે. તેમણે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે સરકારને ટેક્સ તરીકે આશરે 11 અબજ ડોલર એટલે કે રૂ. 85,000 કરોડ ચૂકવશે. જો ખરેખર આવું બનશે તો અમેરિકાના ઇતિહાસમાં તેવું પ્રથમવાર બનશે કેમ કે આ અગાઉ આટલી મોટી રકમ કોઇએ કર પેટે ચૂકવી નથી.

વાસ્તવમાં અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિન પાછલા સપ્તાહે એલન મસ્કને આ વર્ષનો પર્સન ઓફ ધ યર જાહેર કર્યો હતો. તેમની આ પ્રશંસા યુએસ સેનેટર એલિઝાબેથ વોરનને પસંદ આવી ન હતી. તેમણે ટ્વિટર પર એલન મસ્ક પર ટેક્સ ચોરીનો આરોપ મૂક્યો હતો. વોરને જણાવ્યું હતું કે મસ્કને પર્સન ઓફ ધી યર કહેવાના બદલે ટેક્સ ચોરી કરવાવાળો વ્યક્તિ કહેવો જોઇએ.

મસ્કે પોતાની ટ્વિટમાંં જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ બનશે. જો મસ્ક આ રકમ ભરશે તો અમેરિકાની રેવન્યૂ સર્વિસને મળનારી સૌથી મોટી રકમ હશે. જો કે આમ જોવા જઇએ તો તેની જંગી કમાણીનો આ એક નાનકડો હિસ્સો છે. નોંધનીય છે કે એલન મસ્ક નેટવર્થના મામલે હાલમાં વિશ્વના ટોચના ધનપતિ છે. 255 અબજ ડોલરની સંપત્તિ સાથે મસ્ક ટોચ પર છે. તેની કંપની ટેસ્લાની માર્કેટ વેલ્યૂ આશરે એક ટ્રિલિયન ડોલરની છે. આ વર્ષે મસ્કની સંપત્તિમાં ૫૫ અબજ ડોલરનો ઉમેરો થયો હતો.

(12:36 am IST)