Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

શેરબજાર ગગડતા રાકેશ ઝુનઝુનવાલાએ બે શેરમાં 10 મિનિટમાં 230 કરોડ ગુમાવ્યા

ટાઇટનનો શેર એનએસઇ પર બજાર ખૂલ્યાના 10 મિનિટમાં રૂ. 39.30 ગગડીને 2241.10 અને ટાટા મોટર્સનો શેર એનએસઇ પર રૂ. 10.30ના ઘટાડા સાથે ગેપમાં ખૂલ્યો

મુંબઈ :વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેરબજારો પણ ગગડયાં હતાં. વેચવાલીના આ દબાણમાં અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ તાતા જૂથના પોતાની પસંદગીના બે શેર્સમાં બજાર ખૂલવાના 10 મિનિટની અંદર જ રૂ. 230 કરોડ ગુમાવી દીધા હતા, આ બે સ્ટોક ટાઇટન કંપની અને તાતા મોટર્સ હતા. ટાઇટનનો શેર એનએસઇ પર બજાર ખૂલ્યાના 10 મિનિટની અંદર જ આગલા બંધ ભાવથી રૂ. 39.30 ગગડીને 2241.10ની આસપાસ ટ્રેડ થતો હતો.

એજ પ્રમાણે તાતા મોટર્સનો શેર એનએસઇ પર રૂ. 10.30ના ઘટાડા સાથે ગેપમાં ખૂલ્યો હતો અને 10 મિનિટની અંદર કુલ રૂ. 15.90 ગગડીને રૂ. 454.30ના સ્તર પર પહોંચી ગયો હતો. ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાના હોલ્ડિંગ પર નજર નાખીએ તો જુલાઇથી સપ્ટેમ્બર 2021ના સમયગાળા દરમિયાન આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ 3,37,60,395 શેર્સ અથવા 3.80 ટકા હોલ્ડિંગ હતું જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ 95,40,575 શેર્સ અથવા 1.07 ટકા રહ્યું છે.

એ જ રીતે તાતા મોટર્સમાં રાકેશનું હોલ્ડિંગ 3,67,50,000 શેર્સ અથવા 1.11 ટકા હતું. હવે ટાઇટનમાં ઘટાડા પર નજર નાખીએ તો ઝુનઝુનવાલા દંપતીને 10 મિનિટમાં કુલ રૂ. 170 કરોડનું નુકસાન થયું હતું. એ જ પ્રમાણે તાતા મોટર્સના ઘટાડા પર નજર નાખીએ તો તે પ્રમાણે 10 મિનિટમાં રાકેશ ઝુનઝુનવાલાને રૂ. 60 કરોડનું નુકસાન થયું હતું તથા બન્ને શેર મળીને કુલ નુકસાન રૂ. 230 કરોડનું નોંધાયું હતું.

(12:40 am IST)