Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભગવાન શિવના અપમાન બદલ ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ કરાઈ

ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરનો વિવાદ : શિવ કી-વર્ડ સર્ચ કરવા ઉપર ભગવાન શિવની તસ્વીરમાં એક હાથમાં વાઈન છે અને બીજા હાથમાં ફોન દેખાડાયો

નવી દિલ્હી, તા. ૯  :ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. રાજધાની દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ઈન્સ્ટાગ્રામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઈન્સ્ટાગ્રામ પર ભગવાન શિવનું અપમાન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ભાજપના નેતા મનીષ સિંહે દિલ્હીની પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં ઈન્સ્ટાગ્રામના સીઈઓ અને અન્ય અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતાનો આરોપ છે કે, ઈન્સ્ટાગ્રામ પર શિવ કી-વર્ડ સર્ચ કરવા પર શિવની તસવીરને ખોટી રીતે દર્શાવાઈ છે. તેમાં ભગવાન શિવના એક હાથમાં વાઈન છે જ્યારે બીજા હાથમાં ફોન દેખાડવામાં આવ્યો છે. ભાજપના નેતા મનીષ સિંહે તેની અમુક તસવીરો પણ શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડ્યાનો આરોપ લાગ્યો હોય. તાજેતરમાં એમેઝોન પર કર્ણાટકના ઝંડાવાળી બિકિની વેચાઈ રહી હતી જેના વિરોધ બાદ તેને હટાવી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સરકારના નવા આઈટી નિયમો સામે ટ્વીટર સહિતના અન્ય કેટલાક પ્લેટફોર્મ્સે વિરોધ નોંધાવ્યો છે. જોકે સરકાર સ્પષ્ટ છે કે, દરેકે ભારતીય કાયદો માનવો  જ પડશે.

(12:00 am IST)