News of Tuesday, 21st March 2023
નવી દિલ્હી :અમેરિકાના વિદેશ વિભાગે 20 માર્ચે માનવ અધિકારના મુદ્દાઓ પર તેનો વાર્ષિક વિશ્લેષણાત્મક અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં, NCRB ડેટાના આંકડા જાહેર કરતી વખતે, તેણે મહત્વપૂર્ણ માનવ અધિકાર મુદ્દાઓ અને ભારતમાં થઈ રહેલા ઉલ્લંઘન વિશે વાત કરી છે. અમેરિકી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2022માં ભારતમાં માનવ અધિકારના ઉલ્લંઘનની અનેક ઘટનાઓ બહાર આવી છે, જેમાં કસ્ટોડિયલ હત્યા, પ્રેસની સ્વતંત્રતા, ધાર્મિક અને વંશીય લઘુમતીઓને નિશાન બનાવતી હિંસાનો સમાવેશ થાય છે.
અમેરિકી વિદેશ મંત્રી એન્થની બ્લિંકનના વિભાગે એક વાર્ક માનવ અધિકાર અહેવાલ જાહેર કર્યો છે. તે દુનિયાભરમાં માનવ અધિકારોની હાલની પરિસ્થિતિ અંગે અમેરિકન સંસદને માહિતી પૂરી પાડે છે. વાર્ષિક રિપોર્ટમાં ઈરાન, ઉત્તર કોરિયા અને મ્યાંમાર જેવા અન્ય દેશોની સાથે રશિયા અને ચીનમાં મોટાપાયે માનવ અધિકારોના ભંગની ટીકા કરવામાં આવી છે.
રિપોર્ટના ભાગરૂપે ભારત વિશેના ભાગમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુનેગારોને સમયસર સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારના તમામ સ્તરે સત્તાવાર ભ્રષ્ટાચાર માટે જવાબદારી હોય તેનો અભાવ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કાયદાના અમલીકરણમાં ઢીલ, તાલીમબદ્ધ પોલીસ અધિકારીઓનો અભાવ અને વધુ પડતા બોજવાળી અને ઓછા સંસાધનો સાથેની કોર્ટ સિસ્ટમને કારણે સજા કરવાનો દર ઘટી ગયો છે.
ભારતે અગાઉ પણ અમેરિકન સરકારના આવા અહેવાલોને ફગાવી દીધા છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતમાં સૌના અધિકારોનું રક્ષણ કરવા માટે લોકશાહીની સુસ્થાપિત પ્રથાઓને મજબૂત કરવાની જરૂર છે. જ્યારે અમેરિકી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેટ શટડાઉન, શાંતિપૂર્ણ સભાઓ પર પ્રતિબંધ, દેશ-વિદેશમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને હેરાનગતિ પણ થઈ છે