Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોરોના વાયરસ સામે વીમો લેવા માટે જબરદસ્ત ધસારો

કોરોના પ્રોટેક્શન હેલ્થ પોલિસી માટે લોકોની દોડધામ : કોરોનાની આ પોલિસી સાથે દર્દીને યોગ્ય દરે સારવાર મળી શકે એેવી જોગવાઇ પણ આમાં કરવામાં આવી છે

નવી દિલ્હી, તા. ૨૦ : દેશમાં છેલ્લા થોડા મહિનાથી કાળો કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના પગલે ટોચની તમામ વીમા કંપનીઓ પાસે નવી પોલિસી માટે જબરદસ્ત ધસારો થયો છે. ચાલુ વર્ષના માર્ચ મહિના પછી અઢી ત્રણ મહિના રહેલા લૉકઆઉટ દરમિયાન એક તરફ ધંધારોજગાર ઠપ થયા હતા અને અર્થતંત્રને ભારે હાનિ પહોંચી હતી. તો બીજી બાજુ કોરોનાના કારણે રાતોરાત મૃત્યુ દર વધી ગયો હતો. દરેક કોમ ધર્મના લોકો કોરોનાગ્રસ્ત થયા હતા અને ટપોટપ મરણ થવા લાગ્યા હતા. પરિસ્થિતિમાં કોઇ વીમા કંપનીએ કોરોના કવચ નામની નવી વીમા પોલિસી બહાર પાડી હતી. કરે કોરોના અને અમે પણ એમાં સંડોવાઇ જઇને મરણ પામીએ તો એવા ડરથી પોલિસી અત્યંત ટૂંકા સમયગાળામાં અકલ્પ્ય લોકપ્રિય થઇ ગઇ હતી અને પોલિસી મેળવવા લોકોએ અભૂતપૂર્વ ધસારો કર્યો હતો.

કોરોના પ્રોટેક્શન હેલ્થ પોલિસી નામની પોલિસી લેવા તમામ વીમા કંપનીઓમાં ગ્રાહકોનો ભારે ધસારો નોંધાયો હતો.

એક પ્રવક્તાએ જણાવ્યા મુજબ રોજ આવી સેંકડો પોલિસીની માગણી થઇ રહી હતી. દસમી જુલાઇથી પોલિસીની જાહેરાત થઈ હતી અને રાતોરાત દેશના ખૂણે ખૂણેથી પોલિસીની જંગી માગ શરૂ થઇ હતી.

પોલિસી સાથે દર્દીને યોગ્ય દરે સારવાર મળી શકે એેવી જોગવાઇ પણ પોલિસીમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે દિવાળી પર ફટાકડા, મકર સંક્રાન્તિ પર પતંગ અને દોરો તથા દિવાળી પર ફટાકડાનો મોસમી ધંધો શરૂ થઇ જાય એમ અત્યારે કોરોના સંબંધિત આવા પ્રયોગો ધૂમ સફળતાને વર્યા છે. સેનીટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ, ઇમ્યુનિટી પાવર વધારે એેવી દવાઓ અને હવે વીમા પોલિસી ધમધોકાર વેચાઇ રહી હતી.

(12:00 am IST)