Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

રશિયામાં અબજોપતિઓએ એપ્રિલમાં જ કોરોનાની રસી મુકાવી દીધી'તી : ઓગસ્ટમાં બજારમાં

રશિયાની સરકારી કંપનીએ બનાવી હતીઃ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓએ આ રસી મુકાવી હતી

નવી દિલ્હી,તા.૨૧: એક બાજુ દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા ધંધે લાગ્યા છે. ત્યારે રશીયન અબજોપતિઓએ એપ્રિલમાં જ કોરોના વાયરસની રસી મુકાવી દીધી હતી. એટલુ જ નહીં, બધા રાજકીય નેતાઓને પણ આ રસી મુકવામાં આવી હતી. એક રિપોર્ટમાં આ ચોંકવાનારી વાત બહાર આવી છે.મોસ્કો ખાતેથી રશિયાની સરકારી કંપની ગમલેઇ ઇન્સ્ટીટ્યુટે આ રસી એપ્રિલમાં તૈયાર કરી હતી. તે વખતે ઉદ્યોગપતિઓ અને રાજકીય હસ્તિઓને પ્રયોગ તરીકે આ રસીનો ડોઝ અપાયો હતો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સરકારી કંપની રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના ડાયરેકટરે પણ પરિવાર સહિત આ રસીનો ડોઝ લીધો હતો. એલ્યુમીનીયમ કંપની યુનાઇટેડ રસેલના ઉચ્ચ અધિકારી અને સરકારી અધિકારીઓને પણ આ રસી અપાઇ હતી. ઘણા ઉદ્યોગપતિઓએ સ્વીકાર્યું કે તેમણે રસી મુકાવી જેથી તે સુરક્ષિત રહી શકે. રાષ્ટ્રપતિ પુતિનને આ રસી અપાઇ છે કે નહીં તેની પુષ્ટિ નથી થઇ શકી.

રશિયન સેના અને સરકારી રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડની મદદથી બનાવાઇ રહેલ આ રસીની પહેલી ટ્રાયલ પુરી થઇ ચુકી છે. ગયા અઠવાડીયે સેનાના ૪૦ જવાનો પર પરીક્ષણ કરાયું હતું. ત્રણ ઓગસ્ટથી ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થવાની છે. તેમાં રશિયા, સાઉદી અરબ અને યુએઇના હજારો લોકો ભાગ લેશે.ગમલેઇ ઇન્સ્ટીટ્યુટ સેન્ટર હેડ એલેકઝાંડર જીપ્સબર્ગે દાવો કર્યો છે કે આ રસી માનવ પરીક્ષણમાં સંપૂર્ણ પણે સુરક્ષિત દેખાઇ છે. ઓગસ્ટમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે. પણ પરિણામો પહેલા જ ૧૨ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે તેને સામાન્ય લોકો માટે બજારમાં ઉતારવામાં આવશે.

રશિયાની રસી સામે દુનિયાભરમાં ઉઠેલા સવાલો

 રશિયા સંપૂર્ણ પરિક્ષણ વગર રસીને બજારમાં ઉતારવાની વાત કરી રહ્યું છે.

 માનવ પરીક્ષણના એક પણ પરિક્ષણની જાહેરાત નથી કરી.

 અમેરિકા-યુરોપના કેટલાય દેશોએ રસીની માહિતી ચોરવાનો આરોપ મુકયો છે.

 રશિયાનો દાવો છે કે તે નવી પધ્ધતિથી પરિક્ષણ કરે છે.

(2:42 pm IST)