Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

બંગાળના લોકો રાજ્ય ચલાવશે, નહીં કે ગુજરાતના લોકો : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર પ્રહાર કર્યા : મુખ્યમંત્રી મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં આક્રમક તેવર દેખાયા : દેશમાં ડરનું રાજ હોવાનો આક્ષેપ

કોલકાતા, તા. ૨૧ : પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. મમતા બેનરજીએ કહ્યું કે, કેટલાક લોકો સાંપ્રદાયિક ઝેર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. એક પાર્ટી હિંદૂ-મુસ્લિમ હુલ્લડો ભડકાવવાની કોશિશ કરી રહી છે. યાદ રાખીએ તમામ ધર્મના લોકો એક સમાન છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના આરંભમાં યોજાનાર છે. તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર અભિયાનનો આરંભ કર્યો અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર સીધો હુમલો કરતાં કહ્યું કે રાજ્ય પોતાના લોકો દ્વારા ચલાવાશે નહીં, કે બહાર લોકો અર્થાત ગુજરાત લોકો દ્વારા. મુખ્યમંત્રી મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં આક્રમક તેવર અપનાવીને કહ્યું કે આજે દેશભરમાં ડ઼રના રાજના કારણે લોકો પોતાની વાત રજૂ કરી શકતા નથી.

            કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પશ્ચિમ બંગાળના લોકોની અવગણના કરી રહી છે, પરંતુ ચૂંટણીમાં બંગાળના લોકો તેનો જવાબ આપશે. મમતા બેનરજીએ કહ્યું કે, કેટલાક લોકો એવા છે કે જેમને રાજનીતિનો કોઈ અનુભવ નથી, એ હત્યાની વાત કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રસના કાર્યકરોને સંબોધિત કરતાં મમતા બેનરજીએ ઉત્તરપ્રદેશમાં કાનૂન વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં હાલત ખૂબ ખરાબ છે. યુપીના લોકો પોલીસને પોતાની ફરિયાદ કરતાં ડરે છે. એક ઘટનામાં કેટલાય પોલીસ જવાનોની હત્યા થઈ છે. મમતા બેનરજીએ કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે બંગાળના લોકોને કેન્દ્રે સંસાધનોથી વંચિત રાખ્યા છે. પરંતુ આપણે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી જીતીને અપમાનનો બદલો લઈશું. બહારના લોકોને બંગાળ ચલાવવાની અનુમતિ હશે નહીં,

           આપણે જાણીએ છીએ કે તેનું કારણ શું છે. તૃણમૂલ કોંગ્રેસ કમજોર છે, એવું ન વિચારો.બંગાલ એક બંગાળી દ્વારા ચલાવવામાં આવશે. મમતા બેનરજીએ કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારે પહેલાં મધ્યપ્રદેશની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરી, બાદમાં રાજસ્થાન સરકારને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે કેન્દ્રની સરકાર હવે બંગાળની સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહી છે. ભાજપ ધનશક્તિ અને કેન્દ્રિય એજન્સીની મદદથી સરકાર અસ્થિર કરવા મચી રહી છે. ભાજપ સૌથી વિનાશકારી પાર્ટી છે, આવી પાર્ટી દેશે ક્યારેય જોઈ નથી.

(10:46 pm IST)