Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

દરિયાઈ ક્ષેત્રે રોજગારીના મોજા ઉછળશે, કૌશલ્ય વિકાસ માટે સમજુતી કરાર

કેન્દ્રના જહાજ મંત્રાલય અને ઉદ્યોગ સાહસિકતા વિભાગનો સંયુકત પ્રયાસઃ રોજગારી માટે માનવ બળ સક્ષમ બનશે, વિકાસને વેગ મળશે : મનસુખ માંડવિયા

ભારત સરકારના જહાજ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા વિભાગના ડીજીટલ એમ.ઓ.યુ. વખતે મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મનસુખ માંડવિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા. ૨૧: દરિયાઈ ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ તકોનો લાભ લેવા અને આ માટે વર્કફોર્સને વિવિધ કુશળતાઓ સાથે સજ્જ કરવા આજે જહાજ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય વચ્ચે ડિજિટલી સમજૂતી કરાર (એમઓયુ) થયા હતા.

આ સમજૂતી કરાર પર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડે અને રાજય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા તથા રાજય કક્ષાનાં કેન્દ્રીય વીજળી તથા નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી આર કે સિંહની હાજરીમાં હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે સંબંધિત મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ડાઙ્ખ. મહેન્દ્રનાથ પાંડેએ રોજગારી મેળવવા માટે વર્કફોર્સને કુશળ બનાવીને સજ્જ  કરવા અને તેમની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરની ક્ષમતા વિકસાવવા માટે પ્રયાસ હાથ ધરવા બદલ જહાજ મંત્રાલયને અભિનંદન પાઠવ્યા હતા.

રાજય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગવિકાસ મંત્રાલયનો આ સમજૂતી કરાર માટે આભાર વ્યકત  ફરી જણાવ્યું હતું કે, આ ભાગીદારીથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થશે અને દરિયાકિનારા વિસ્તારોનાં યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ એમઓયુ જહાજ મંત્રાલય અંતર્ગત સાગરમાલા કાર્યક્રમ હેઠળ દરિયાકિનારાના સમુદાયોના વિકાસની કટિબદ્ઘતાને મજબૂત પણ કરશે. ભારત અને દુનિયામાં બંદર અને દરિયાઈ ક્ષેત્રના વિકાસ માટે કુશળ મેનપાવરને પ્રોત્સાહન મળશે. 'અમે આપણા બંદરોની ક્ષમતાઓમાં વધારો કરીને આપણા દેશની આર્થિક ક્ષમતા વધારવા કટિબદ્ઘ છીએ. અમે દરિયાઈ પરિવહન ક્ષેત્રની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા પણ કટિબદ્ઘ છીએ. અમે આપણી યુવા પેઢીને સક્ષમ બનાવવા કુશળ વર્કફોર્સનું નિર્માણ કરવાનું, ટેકનોલોજી-સંચાલિત ભવિષ્યમાં તેમને સક્ષમ બનાવવાનું અને દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ઘિને વેગ આપવા પણ પ્રતિબદ્ઘ છીએ. આ સમજૂતી આપણા ઉમદેવારોના ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવશે.'

આ આઇટીઆઇ, એનએસટીઆઈ અને પીએમકેકે અને પીએમકેવીવાય કેન્દ્રો જેવા હાલના માળખાનો ઉપયોગ પણ કરશે, જેનો આશય દરિયાકિનારાના જિલ્લાઓમાં જરૂરી કુશળતા મુજબ મેનપાવરને તાલીમ આપવાનો હશે. એમએસડીઈ બંદર અને દરિયાઈ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે ખાનગી ક્ષેત્રને પ્રેરિત કરવા/સીએસઆર ફંડિંગ વધારવા પણ મદદરૂપ થશે તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કૌશલ્ય વિકાસ માટે થયેલી ટીવીઇટી સમજૂતીઓમાં બંદર અને દરિયાઈ ક્ષેત્રને સુવિધા આપશે. આ સમજૂતીકરાર મુજબ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઇ) ક્રૂઝ ટૂરિઝમ, લોજિસ્ટિકસ, મત્સ્યપાલન, જહાજ નિર્માણ, જહાજનું સમારકામ અને જહાજ તોડવાનું કામ, ડ્રેજિંગ, ઓફશોર સપ્લાય ચેઇન વગેરે માટે અભ્યાસક્રમ, રાષ્ટ્રીય રોજગારલક્ષી ધારાધોરણો, સામગ્રી વગેરે વિકસાવવા સહકાર આપશે.

ઉદ્યોગની જરૂરિયાત અને યુવાનોની આકાંક્ષા પર આધારિત કૌશલ્ય તાલીમનો અમલ કરવા જહાજ મંત્રાલયે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે, જે લાંબા સમયથી કૌશલ્યની તાલીમ આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. દરિયાકિનારે વસતા સમુદાયોમાં કૌશલ્યનો વિકાસ સાગરમાલા કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ છે અને દરિયાકિનારે વસતા સમુદાયોના વિકાસ માટેની પ્રવૃત્ત્િ।ઓ માટે રૂ.૧૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

(11:10 am IST)