Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

૨૦૩૧માં ચીનથી આગળ હશે ભારત

૨૦૩૬ સુધીમાં ભારતની વસ્તી હશે ૧૫૨ કરોડ

મહિલાઓની સંખ્યા પહેલા કરતા વધુ હશે : બિહાર સૌથી યુવા તો તામિલનાડુ હશે સૌથી વૃધ્ધ રાજ્ય

નવી દિલ્હી તા. ૨૧ : આવનારા વર્ષો મહિલાઓ માટે સારા હશે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશનનો તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ભારતમાં મહિલાઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. એટલે કે આવનારા સમયમાં પુરુષ અને મહિલા વચ્ચેનું અંતર ઘટશે. રિપોર્ટ પ્રમાણે, ૨૦૩૬માં સ્ત્રી જાતિનું પ્રમાણ ૯૫૭(૧૦૦૦ પુરૂષ પર) રહેવાનો અંદાજ છે જે ૨૦૧૧માં ૯૪૩ હતો. કેરળ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના રાજયોમાં ૨૦૧૧ની વસ્તીની તુલનામાં મહિલાઓની સંખ્યા વધશે. સૌથી ઓછો દિલ્હીમાં ૮૯૯, ગુજરાતમાં ૯૦૦ અને હરિયાણામાં ૯૦૮ રહેવાનો અંદાજ છે.

રિપોર્ટમાં ઈન્ફેન્ટ મોર્ટેલિટી રેટ(IMR)માં પણ સુધારાની વાત કહેવામાં આવી છે. ૨૦૩૧થી ૨૦૩૫ વચ્ચે ઈન્ફેન્ટ મોર્ટેલિટી રેટ ૩૦ રહેવાનું અનુમાન છે જે ૨૦૧૧માં ૪૬ હતો. રાજસ્થાન, આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં IMR ૩૦ થી ૪૦ વચ્ચે રહેવાનો અંદાજ છે. કેરળમાં સૌથી ઓછો ૯ રહેવાનો અંદાજ છે

સાથે જ ૧૬ વર્ષ પછી એટલે કે ૨૦૩૬ સુધી ભારતની વસ્તી ૧૫૨ કરોડ થવાનો અંદાજ છે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશનના તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૧થી ૨૦૩૬ સુધી ૨૫% વસ્તી વધવાનો અંદાજ છે. એટલે કે ૨૫ વર્ષોમાં દર વર્ષે એક ટકાના દરે ભારતની વસ્તી વધશે. ૨૦૧૧માં ભારતની વસ્તી ૧૨૧ કરોડની હતી.

૨૦૧૧માં દિલ્હીની ૯૮% વસ્તી શહેરની હતી, જે ૨૦૩૬માં ૧૦૦% થવાનો અંદાજ છે. સાથે જ મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને તેલંગાણામાં શહેરની વસ્તી ૫૦% કરતા વધુ હશે. કેરળ એવું રાજય છે, જયાં સૌથી વધુ ગ્રામીણ લોકો શહેરમાં વસતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ૨૦૩૬ સુધી કેરળની ૯૨% વસ્તી શહેરની હશે, જે ૨૦૧૧-૧૫માં ૫૨ ટકા હતી.

સાઉથ ઈન્ડિયાની તુલનામાં નોર્થ ઈન્ડિયાની વસ્તી ઝડપથી વધી રહી છે. માત્ર યુપીનો ગ્રોથ રેટ ૩૦% રહેવાનો અંદાજ છે. ૨૦૧૧માં યુપીની વસ્તી ૧૯.૯ કરોડ હતી, જે ૨૦૩૬માં વધીને ૨૫.૮ કરોડ થઈ શકે છે.

બિહારની વસ્તી ૨૦૧૧માં ૧૦.૪ કરોડ હતી, જે ૨૦૩૬માં ૪૨% ગ્રોથ સાથે ૧૪.૮ કરોડ રહેવાનો અંદાજ છે. આગામી ૪ વર્ષમાં બિહાર, મહારાષ્ટ્રને પાછળ છોડીને યુપી પછી દેશનું બીજું સૌથી મોટું વસ્તી ધરાવતું રાજય બની જશે.

યુપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ અને મધ્યપ્રદેશ આ પાંચ રાજયોની વસ્તીમાં કુલ ૫૪%નો ગ્રોથ હોવાની વાત રિપોર્ટમાં સામે આવી છે. જયારે સાઉથ ઈન્ડિયા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુનો કુલ ગ્રોથ રેટ માત્ર ૯% રહેવાનો અંદાજ છે. આ પાંચ રાજયોની કુલ વસ્તી વધારો ૨.૯ કરોડ છે જે માત્ર યુપીની તુલનામાં અડધો છે.

આઝાદીના સમયે ગ્રામીણ વસ્તી વધી રહી હતી. પરંતુ તેના પછી ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે. રિપોર્ટના પ્રમાણે, ૨૦૧૧માં ગ્રામીણ વસ્તી ૬૯% હતી જે ૨૦૩૬માં ૬૧% થઈ જશે. તેના વિપરીત શહેરની વસ્તી ઝડપથી વધી રહી છે. ૨૦૧૧માં શહેરી વસ્તી ૩૧% હતી જે ૨૦૩૬માં વધીને ૩૯% થવાનો અંદાજ છે.

લાઈફ એકસપેકટેન્સી(જીવન પ્રત્યાશા) એટલે કે એક વ્યકિતની સરેરાશ ઉંમરની વાત કરવામાં આવે તો કેરળ ટોપ પર છે, જયાં ૨૦૩૬ સુધી પુરુષોની સરેરશ ઉંમર ૭૪ વર્ષ અને મહિલાઓની ૮૦ વર્ષ રહેવાનો અંદાજ છે. દેશની વાત કરવામાં આવે તો પુરૂષોની સરેરાશ ઉંમર ૭૧ વર્ષ અને મહિલાઓની ૭૪ વર્ષ રહેવાનો અંદાજ છે. ૨૦૩૬ સુધી તમિલનાડુ ભારતનું સૌથી વૃદ્ઘ રાજય હશે જયારે બિહાર સૌથી યુવાન રાજય હશે. બિહારની મીડિયમ ઉંમર ૨૮ વર્ષ અને તમિલનાડુની ૪૦ વર્ષ રહેવાનો અંદાજ છે.

મીડિયમ એજ એટલે કે કોઈ વસ્તીને બે સરખા ભાગમાં વહેંચવી. એક ભાગ યુવાન ઉંમરનો અને બીજો વૃદ્ઘનો. જો બિહારની ૨૦૩૬માં મીડિયમ એજ ૨૮ વર્ષ રહેશે તો તેને અર્થ છે કે બિહારની અડધી વસ્તીની સરેરાશ ઉંમર ૨૮ વર્ષ અથવા તેનાથી ઓછી રહેવાની છે.

(2:53 pm IST)