Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ટાટાની ઈલેકટ્રીક કાર 'ટાટા નેકસોન': એક વખત ચાર્જ કર્યા બાદ ૩૧૨ કિ.મી. અંતર કાપશે

૬૦ મિનિટમાં ૮૦ ટકા બેટરી ચાર્જઃ કિંમત ૧૫ થી ૧૬ લાખ આસપાસ

નવીદિલ્હીઃ ભારતમાં ટાટાની ઈલેકિટ્રક કાર ટાટા નેકસોન ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ટાટા મોટર્સે આ જ વર્ષે જાન્યુઆરીમાં નેકસોન ઈવીને ભારતીય બજારમાં ઉતારી હતી. કંપનીનું કહેવું છે કે, આ ઈલેકિટ્રક કારને ગ્રાહકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.

હકીકતમાં ટાટા મોટર્સે જણાવ્યું કે, હાલમાં જ આ એસયૂવીના ૧૦૦૦ યુનિટ્સ રોલઆઉટ કરવામાં આવ્યા છે. કંપની તરફથી જાણકારી આપવામાં આવી છે કે, ટાટા નેકસોન ઈવીના ૧૦૦૦ યુનિટ્સનું પ્રોડકશન કરવામાં આવ્યું છે. કંપની આને મોટી ઉપલબ્ધિ માની રહી છે.

કંપની મુજબ, વર્તમાન સમયમાં નેકસોન ઈવી દેશની સૌથી વધુ વેચાનાર ઈલેકિટ્રક કાર બની ગઈ છે. ટાટાની આ કાર એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ ૩૧૨ કિમીનું અંતર કાપે છે. આ કારની ટોપ સ્પીડ ૧૨૦ કિમી પ્રતિ કલાક છે. ટાટાની આ કારમાં ૩૦.૨ kWhની લિથિયન આયન બેટરી આપવામાં આવી છે. તેની બેટરી ૮ કલાકમાં ફુલ ચાર્જ થાય છે. જયારે ફાસ્ટ ચાર્જર દ્વારા ૬૦ મિનિટમાં ૮૦ ટકા બેટરી ચાર્જ થઈ જાય છે.

સ્પીડની વાત કરીએ તો આ ઈવી ૯.૯ સેકન્ડમાં ૦-૧૦૦ kmની સ્પીડ પકડી શકે છે. ટાટાની આ કારની દિલ્હી એકસ શોરૂમ કિંમત ૧૩.૯૯ લાખ રૂપિયા છે. જયારે ઓન રોડ પ્રાઈસ લગભગ ૧૫,૬૩,૯૯૭ રૂપિયા છે. જયારે ટોપ વેરિઅન્ટની કિંમત ૧૫.૯૯ લાખ રૂપિયા છે.

(2:54 pm IST)