Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

લંડનમાં મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરનાર ગુજરાતી અમન વ્યાસને જન્મટીપ : ભારત ભાગી આવેલા વ્યાસનું પ્રત્યાર્પણ કર્યા પછી ટ્રાયલ શરૂ થઇ હતીઃ કુલ ૩૪ વર્ષ અને ૩૧૨ દિવસ જેલમાં રહેશે : ત્રણ પર બળાત્કર અને એકની હત્યા કરી હતી

લંડન : મહિલાઓ પર બળાત્કાર અને હત્યા બદલ દોષિત ઠેરવાયેલા અને ભારતમાંથી જેને પ્રત્યાર્પિત કર્યા પછી બ્રિટન લાવવામાં આવેલા ગુજરાતી મૂળના ૩૬ વર્ષના યુવાનને લંડનમાં આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી.ક્રોયડોન ક્રાઉન કોર્ટ દ્વારા સજા પામેલા અમન વ્યાસને ૩૭ વર્ષની સજા થઇ હતી, પરંતુ ભારતમાં અને બ્રિટનમાં એણે કાપેલી સજાને બાકાત રાખવામાં આવતો હવે તેને લંડનમાં બાકીના ૩૪ વર્ષ અને ૩૧૨ દિવસ જેલમાં સબડવું પડશે.સ્કોટલેન્ડ યારેડની પોલીસ અધિકારી શાલીના શેખે કહ્યું હતું કે અંતે પીડિતોને ન્યાય મળ્યો. આજની સજા સાંભળી અમને આનંદ થયો હતો. તેને ફટકારવામાં આવેલી સજાની માત્રા દર્શાવે છે કે વ્યાસનો અપરાધ કેટલો મોટો હતો. આ સજા વ્યાસની ક્રૂરતા અને પાશવી વર્તનની વાત કહે છે એમ શાલીના શેખે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વ્યાસે ત્રણ મહિલાઓનો પીછો કરીને તેમની છેડતી કરી હતી. ઉપરાંત અંધારામાં મહિલાઓને ખેંચી જઇને તેમના પર બળાત્કાર કરતો હતો. આવા જ એક અપરાધમાં શ્રીલંકાની એક મહિલા મિશેલી સમરવીરાની હત્યા થઇ ગઇ હતી. ત્યાર પછી પોતાના અપરાધને છુપાવવા એણે અનેક કાવાદાવા કર્યો હતા.પરંતુ એક મહિલાએ બહાદૂરી દેખાડી એને પકડવામાં કરેલી મદદની ખુબ પ્રશંસા કરાઇ હતી. દસ કરતાં વધુ વર્ષ સુધી ચાલેલા કેસમાં પીડિતાઓ અને તેમના પરિવારે જે શુરવીરતા અને ધૈર્ય દેખાડયું હતું તેની પ્રશંસા કરવી પડે એમ શેખે કહીને ઉમેર્યું હતું કે વ્યાસને તમામ સજા એક સાથે ભોગવવી પડશે.

સમરવીરાની બહેન એન્ને તેની બહેનને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતું કે હવે મારી બહેનને ન્યાય મળ્યો. તેમણે વ્યાસને કરેલા પાપો બદલ માફી માગવા અને પોતાના અધમ અપરાધનો સ્વીકાર કરવા કહ્યું હતું. વર્ષ ૨૦૦૯માં વ્યાસ સમરવીરાની હત્યા કરી ભારત ભાગી ગયો હતો.ત્યાર પછી ૨૦૧૧માં એ ન્યુઝીલેન્ડમાં દેખાયો હતો. ત્યાર બાદ સિંગાપોર જતો રહ્યો હતો. અંતે ૨૦૧૧ જુલાઇમાં ભારતમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૯માં મેટ્રોપોલીટન પોલીસ તેને નવી દિલ્હીથી લંડન લાવી હતી. અમન વ્યાસને પકડવા માટે મેટ્રો પોલીસે ૬૦૫૦૦ કરતાં વધુ પોસ્ટરો શહેરમાં ચોટાડયા હતા. ૧૮૧૫ સ્થળોની તપાસ કરી હતી. ૧૧૦૦ જણાના ડીએનએ લીધા હતા. એક દાયકા સુધી કેસ ચાલ્યો અને અંતે અપરાધીને સજા મળી, એમ શાલીના શેખે કહ્યું હતું.

(8:43 pm IST)