Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મહંત નરેન્દ્ર ગિરીના મોત સંદર્ભે છ જણાની અટકાયત

અખાડા પરિષદના અધ્યક્ષનું રહસ્યમય મોત : મંહતે પોતાના મોતના ૧૦ કલાક પહેલા જેમની સાથે વાત કરી છે તે તમામની પોલીસ પૂછપરછ કરશે

પ્રયાગરાજ, તા.૨૧ : અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ આજે પ્રયાગરાજ પોલીસે વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે અને તમામ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. મહંત નરેન્દ્ર ગિરિના ગનમેનની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહંતને વાય કેટેગરીની સુરક્ષા મળી હતી.

મહંતનો મૃતદેહ ગઈકાલે તેમના આશ્રમના રૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળ્યો હતો.તેમનો મૃતદેહ દોરડા પર લટકતો હતો. પોલીસને આઠ પાનની એક સુસાઈડ નોટ મળી હતી. પછી તેમના શિષ્ય આનંદ ગિરિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે મહંતે આનંદ ગિરિ પર સતામણી કરવાનો આરોપ સુસાઈડ નોટમાં લગાવ્યો છે.

દરમિયાન પોલીસે મહતંના મોબાઈલની કોલ ડિટેલ રિપોર્ટ કઢાવ્યો છે અને તેમાં ઘણી કડીઓ મળી છે. મંહતે પોતાના મોતના ૧૦ કલાક પહેલા જેમની સાથે વાત કરી છે તે તમામની પોલીસ પૂછપરછ કરશે. મહંતના મોતને લઈને પોલીસને એક વિડિયો પણ મળ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, શિષ્ય આનંદ ગિરિનુ કહેવુ છે કે, મહંતના મોતની પાછળ ભૂ-માફિયાઓ અને મોટા અધિકારીઓ સંડોવાયેલા છે. મહંતના મોતને આત્મહત્યામાં ખપાવીને મને ફસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

(7:40 pm IST)