Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

હવે અશોક ગેહલોત બનશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ: 26 સપ્ટેમ્બરે નોંધાવશે ઉમેદવારી

અશોક ગેહલોતે રાત્રે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી:મુખ્યમંત્રી આવાસ પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાગત માટે ભોજન સમારંભનું પણ આયોજન: કાલે દિલ્હી જવાનો કાર્યક્રમ : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજસ્થાનમાં હલચલ ઉગ્ર બની ગઈ છે . સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 26 સપ્ટેમ્બરે અશોક ગેહલોત ઉમેદવારી નોંધાવી શકે છે.

અશોક ગેહલોતે મંગળવારે  રાત્રે  10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. તમને જણાવી દઈએ કે આજે મુખ્યમંત્રી આવાસ પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાગત માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત ભોજન બાદ ધારાસભ્ય દળની બેઠક થશે. એવી પણ જાણકારી મળી રહી છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે દિલ્હી જવાનો કાર્યક્રમ છે. તેઓ દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.

પરંતુ મીડિયામાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પહેલા જ અધ્યક્ષ બનવાની વાતને ના પાડી ચુક્યા છે. તમામ કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે મનાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ લેવા માટે રાજી નથી. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ પર કોણ બેસશે તેને લઈને મૂંઝવણ છે.

આ સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ઉમેદવારીપત્ર ભરવાની પણ ચર્ચા છે. પરંતુ આ વાતનું કોઇ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. જો મુખ્યમંત્રી અશોક ગેહલોત અધ્યક્ષ બનશે તો આખરે રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની રાજકીય ગલિયારામાં ચર્ચા જોરદાર ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી પોતાના મનપસંદ નેતાને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવી શકે છે. જો આવું થાય તો સચિન પાયલટની નારાજગી પણ જોવા મળી શકે છે, કારણ કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિવાદ  કોઈનાથી છુપાયેલો નથી

(9:53 am IST)