Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

હાર્દિક પંડ્યાની તોફાની બેટીંગ :25 બોલમાં ફિફટી ફટકારી : છગ્ગાની હેટ્રીક જમાવી :ચાહકોના દિલ જીત્યા

અંતિમ ઓવરમાં વધુ આક્રમક અંદાજ બતાવ્યો; હાર્દિકે માત્ર 30 બોલમાં અણનમ 71 રન બનાવ્યા

ઓસ્ટ્રેલિયા સામે હાર્દિકે તોફાની બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને 200 રનથી આગળ લઈ ગઈ હતીમોહાલીમાં T20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા, બંને સ્ટાર ખેલાડીઓ ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. પાવર પ્લેમાં બંનેએ વિકેટ ગુમાવી હતી. પરંતુ ત્યાર બાદ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ્સ રમી અને ટીમ ઈન્ડિયા માટે મોટા સ્કોર માટે સારો પાયો તૈયાર કર્યો હતો. આ ફાઉન્ડેશનનો લાભ ઉઠાવવાની માત્ર જરૂર હતી અને હાર્દિકે તેની પ્રતિષ્ઠા અને ભારતની અપેક્ષાઓ અનુસાર સફળતાપૂર્વક તેનું કામ કર્યું.

12મી ઓવરમાં રાહુલના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા હાર્દિકે સમય લીધા વિના પોતાનું બેટ ચલાવવાનું શરૂ કર્યું હતું. ક્રિઝ પર આવતા જ બેટ વડે રન નિકાળવાનુ શરુ કરી દીધુ હતુ. સૂર્યકુમાર, અક્ષર પટેલ અને દિનેશ કાર્તિક આ દરમિયાન ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ તેની હાર્દિક પર કોઈ અસર થઈ નહીં અને એક છેડેથી તેણે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

હાર્દિકની T20 ઈન્ટરનેશનલ કરિયરની આ માત્ર બીજી અડધી સદી છે. તેની પ્રથમ ફિફ્ટી આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે આવી હતી. આ સાથે હાર્દિકે તેની કારકિર્દીનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો હતો.

ભારતીય સ્ટારે અંતિમ ઓવરમાં વધુ આક્રમક અંદાજ બતાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયમ પેસર કેમેરોન ગ્રીનએ જુદી જુદી યુક્તિઓ અપનાવી અને પ્રથમ ત્રણ બોલમાં હાર્દિકને શાંત રાખ્યો, પરંતુ અંતિમ 3 બોલમાં હાર્દિકે જબરદસ્ત અંદાજ બતાવતા ઈનીંગનો અંત કર્યો હતો. તેણે મિડવીકેટ, લોંગ ઓફ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર સળંગ છગ્ગા જમાવ્યા હતા. હાર્દિકે તેની ઇનિંગ્સમાં 58 રન ચોગ્ગા અને છગ્ગા (7 ચોગ્ગા, 5 છગ્ગા) વડે માત્ર 12 બોલમાં મેળવ્યા હતા. હાર્દિકે માત્ર 30 બોલમાં અણનમ 71 રન બનાવ્યા અને ભારતને 6 વિકેટ માટે 208 ના સ્કોર પર પહોંચાડ્યુ હતુ.

(12:33 am IST)