Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા' ગુજરાત - યુપી અથવા એમપીથી શરૂ કરવી જોઇએ

પ્રશાંત કિશોરે ‘ભારત જોડો યાત્રા' અંગે કર્યા પ્રહારો : ચૂંટણીલક્ષી રાજ્‍યથી પોતાની યાત્રા શરૂ કરી હોત તો પરિણામ અલગ હોત

નવી દિલ્‍હી તા. ૨૧ : ચૂંટણી વ્‍યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડી યાત્રા ગુજરાત અથવા યુપી અથવા એમપી જેવા ભાજપ શાસિત રાજયોમાંથી શરૂ કરવી જોઈતી હતી. તેમનું માનવું છે કે આનાથી યાત્રાની અસર વધુ મજબૂત બની હોત અને કોંગ્રેસને ફરીથી પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત મળી શકી હોત.

વિદર્ભને અલગ રાજય બનાવવાના મુદ્દે નાગપુર પહોંચેલા પ્રશાંત કિશોરે કહ્યું કે જો રાહુલ ગાંધીએ ચૂંટણીલક્ષી રાજયથી પોતાની યાત્રા શરૂ કરી હોત તો પરિણામ અલગ હોત. આનાથી ભાજપને સીધો પડકાર મળ્‍યો હોત અને રાહુલ ગાંધીને એકલા ઊભા રહેવા દીધા હોત.

રાહુલ ગાંધીએ આ યાત્રા તમિલનાડુથી શરૂ કરી હતી. ત્‍યારથી આ યાત્રા માત્ર દક્ષિણના પ્રાંતોમાં જ ફરે છે. યાત્રા શરૂ કરવાનો ધ્‍યેય કોંગ્રેસને સીધો ભાજપની સામે કરવાનો છે. પરંતુ પ્રશાંતનું માનવું છે કે દક્ષિણના રાજયો પર આગ્રહ રાખીને કોંગ્રેસને વધુ ફાયદો થવાનો નથી.

પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાની અટકળો થોડા સમય પહેલા સુધી સામાન્‍ય હતી. તેમણે કોંગ્રેસ અધ્‍યક્ષા સોનિયા ગાંધી સાથે અનેકવાર બેઠકો પણ કરી હતી. પીકેએ તેમને કોંગ્રેસના ભવિષ્‍ય માટે તેમની રણનીતિ પણ સમજાવી. પરંતુ છેલ્લી ક્ષણે બંનેએ તેમનાં પગલાં પાછાં ખેંચી લીધાં. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના એક વર્ગને પસંદ ન હતું કે પીકે કોંગ્રેસમાં કોઈ ઉચ્‍ચ સ્‍થાને બેસીને તેમના પર શાસન કરે. તેમના વિરોધ પછી જ સોનિયા ગાંધીએ તેમની વીઆઈપી એન્‍ટ્રી માટે તેમની સંમતિ આપી ન હતી.

કોંગ્રેસે પીકેને જે જવાબદારી આપવાનું કહ્યું હતું તે માટે તેઓ સહમત ન હતા. પ્રશાંત જે ઇચ્‍છતો હતો તે આપવા કોંગ્રેસ તૈયાર ન હતી. જે બાદ તેમના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાનો અંત આવ્‍યો હતો. હાલમાં પીકે બિહારની રાજનીતિમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દલીલ બાદ થોડા દિવસો પહેલા તેમણે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે પણ મુલાકાત કરી હતી.

(12:04 pm IST)