Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવા ફરીથી મહોર : તુર્કીને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું : FATFનું મોટું એલાન

પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂદ્ધ કોઈ આકરી કાર્યવાહી કરી નથી

નવી દિલ્હી :  ફાઈનાન્શિયલ એક્શન ટૉસ્ક ફૉર્સ(FATF)ની પેરિસમાં થયેલી ઓનલાઈન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવા પર ફરથી મહોર લાગી છે. સાંજે જાહેર થયેલા એક નિવેદનમાં FATFએ જણાવ્યું કે, પાકિસ્તાની સરકાર આતંકવાદ વિરૂદ્ધ 34 સૂત્રીય એજન્ડામાંથી 4ને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. FATFએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂદ્ધ કોઈ આકરી કાર્યવાહી નથી કરવામાં આવી. FATFએ તુર્કીને લઇને પણ કડક ટિપ્પણી કરી છે

FATFએ જણાવ્યું કે, પાકિસ્તાન સતત ગ્રે લિસ્ટમાં છે. તેની સરકાર પાસે 34-સૂત્રીય કાર્ય યોજના છે જેમાંથી 30 પર જ એક્શન લઇ શકી છે. FATFએ ગ્રે લિસ્ટથી બોત્સવાના અને મારીશસને બહાર કરી દીધું છે. FATFએ કહ્યું કે, આ બન્ને દેશોએ મની લૉન્ડ્રિંગ અને આતંકવાદને મળી રહેલા પૈસાને લઇને મોટી કાર્યવાહી કરી છે.

FATFનું ત્રિદિવસીય સત્ર 19 ઓક્ટોબરથી શરૂ થયું હતું. પાકિસ્તાને હજુ સુધી FATFના તમામ ધારાધોરણોને પૂર્ણ નથી કર્યા. તેવામાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવવાનો નિર્ણય એપ્રિલ 2022માં આયોજિત થનારા FATFના આગામી સત્રમાં લેવાઇ શકે છે.

આ વર્ષે જૂનમાં FATFએ પાકિસ્તાન કાળાનાણા પર રોક ન લગાવવા, આતંકવાદ માટે નાણાકીય મદદ કરવા પર ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું. FATFએ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોથી જોડાયેલા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા લોકો વિરૂદ્ધ તપાસ કરવા અને તેના પર કેસ ચલાવવા કહ્યું હતું. પાકિસ્તાને દેખાડો તો કર્યો પરંતુ જમીની સ્તરે કોઈ કામ ન કરવામાં આવ્યું. 

પાકિસ્તાનના ગ્રે લિસ્ટમાં બન્યા રહેવાથી તેની આર્થિક સ્થિતિ વધુ કથળી જશે એ નક્કી છે. પાકિસ્તાનને  IMF, વિશ્વ બેન્ક અને યૂરોપીય સંઘથી આર્થિક મદદ મળવું પણ મુશ્કેલ થઇ જશે. પહેલાથી જ કંગાળના હાલમાં જીવી રહેલા પાકિસ્તાનની પરિસ્થિતિ વધુ ખરાબ થશે. બીજા દેશોથી પણ પાકિસ્તાનને આર્થિક મદદ મળવાનું બંધ થઇ શકે છે. કારણ કે કોઇ પણ દેશ આર્થિક રીતે અસ્થિર દેશમાં રોકાણ કરવા નથી ઇચ્છતો.

(11:35 pm IST)