Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે તબાહીની સ્થિતિ સર્જાઇ

મોડી રાત્રે ભારે વરસાદના કારણે એક જૂની ત્રણ માળની ઈમારત ધરાશાયી : અત્યાર સુધી 25 લોકોના મોત, 17 ગુમ

નવી દિલ્હી : આંધ્ર પ્રદેશમાં  દિવસો વરસાદના કારણે તબાહીની સ્થિતિ સર્જાઇ છે. અનેક જગ્યાઓ પર ઘર ધરાશાયી, મોત અને લોકોના ગુમ થવાના સમાચાર આવી રહ્યાં છે. આ કડીમાં રાજ્યના અનંતપુર જિલ્લાના કાદિરી વિસ્તારમાં મોડી રાત્રે ભારે વરસાદના કારણે એક જૂની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. ઈમારતના કાટમાળમાં હજી પણ ચારથી વધારે લોકો ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સર્કલ ઈન્સ્પેક્ટર સત્યબાબૂએ જાણકારી આપી છે. આ અંગે વધારે જાણકારીની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખુબ જ રીતે પ્રભાવિત થયું છે. વરસાદના કારણે થયેલી દૂર્ઘટનાઓના કારણે અત્યાર સુધી રાજ્યમાં 25 લોકોના મોત થયા છે, જેમાં કડપામાં 13 અને ચિત્તૂરમાં 4 લોકોના મોત થયા છે. આ આપત્તિમાં અત્યાર સુધી 17 લોકો ગુમ થયા છે. આ દરમિયાન સાર્વજનિક સંપત્તિનું નુકશાન 8206.57 લાખ રૂપિયા છે. 14237 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ દૂર્ઘટનાઓમાં 1544 મકાન ક્ષતિગ્રસ્ત થયા છે અને 1779 બકરા-ઘેટા પણ ગુમ થઈ ગયા છે. લોકો માટે કુલ 213 રાહત શિબિર લગાવવામાં આવ્યા છે જેમાં આ સમયે 19,859 લોકો છે.
આ સમયે એરફોર્સ, NDRF, SDRF અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. તેમની તત્પરતાને કારણે ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આજે રેસ્ક્યુ ટીમે પડકારો વચ્ચે કુલ 64 લોકોને બચાવ્યા છે. પરંતુ ચાર રાજ્યોમાં ફરી 243 રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. ત્યાં ઘણા લોકોને મદદ કરવામાં આવી રહી છે.

 

(11:11 am IST)