Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

દિલ્‍હી નજીકના નોઇડામાં બે વર્ષની બાળકીને કોરોના વળગતા ફફડાટ

એક જ પરિવારના ૬ લોકો પણ થયા કોરોના સંક્રમિત : અત્‍યાર સુધી સૌથી ઓછા કેસ રહ્યા બાદ એકાએક કેસમાં વધારો

નવી દિલ્હી: આજે ભારત સહિત સમગ્ર વિશ્વને કોરોના મહામારીનો ભયંકર ડર લાગેલો છે. તેમ છતાં ભારત જેવા દેશોમાં કોરોના સામે મળેલી છૂટછાટનો લોકો ગેરફાયદો ઉઠાવવા માંડ્યા છે. દેશમાં હજુ કોરોના સંક્રમણ પુરું થયું નથી. તહેવારો ટાણે લોકો બિદાસ્ત થઈને ફર્યા છે, જેની અસર હવે ધીમેધીમે દેખાવા લાગી છે. જેના કારણે દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં ફરી કોરોનાના કેસમાં વિસ્ફોટ થવા લાગ્યો છે. અહીં એક જ પરિવારના 6 સભ્યો સહિત કોરોનાના આઠ કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષનો બાળક પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

નોઈડામાં ચાર મહિનામાં પહેલી વખત સૌથી વધુ 8 દર્દીઓ સંક્રમિત થવાના અહેવાલ મળ્યા છે. અગાઉ રોજના રિપોર્ટ પ્રમાણે અહીં કોરોનાના કેસ 8થી ઓછા જ રહ્યા છે. સરકારી આંકડા પર નજર નાંખીએ તો નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 53 કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા છે, જે સંખ્યા જુલાઈ પછી સૌથી વધુ છે. 19 નવેમ્બરે જિલ્લામાં 32 એક્ટિવ કેસ હતા. જેમાંથી બે લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા કોવિડ 19ના રિપોર્ટ અનુસાર છેલ્લાં 24 કલાકમાં 8 નવા કોરોના દર્દીઓ મળ્યા છે. જિલ્લા સર્વિલાન્સ અધિકારી ડો. સુનીલ દોહરેએ જણાવ્યું હતું કે, તેમાંથી એક કેસ ગ્રેટર નોઈડામાં નોંધાયો છે, જ્યારે એક દર્દી લખનઉથી નોઈડા આવ્યો હતો, જ્યારે અન્ય 6 કેસ નોઈડાના છે.

જાણકારી અનુસાર સેક્ટર-77 સ્થિત એક્સપ્રેસ જેનિથ સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્યો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોનાની ભયાનકતા આખા દેશે જોઈ છે, એવામાં સંક્રમણથી બચવું ખુબ જ જરૂરી છે, પરંતુ લોકો જે પ્રમાણે બેદરકારી દાખવી રહ્યા છે, તે જોતા ફરીથી ભયંકર સ્થિતિ ઉદ્દભવે નહીં તેની તકેદારી તંત્ર રાખી રહ્યું છે. તેમ છતાં ચાર મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

(12:23 pm IST)