Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પ્રચાર યુધ્‍ધ ટોપ ગીયરમાં : દિગ્‍ગજ ત્રિપુટી મેદાને

ગુજરાતીઓના મન જીતવા આજે મોદી - રાહુલ - કેજરીવાલ રાજકીય ભૂમિ ઉપર ગર્જના કરશે : પીએમ મોદી સુરેન્‍દ્રનગર, જંબુસર, નવસારીમાં ગરજશેઃ બપોર બાદ રાહુલ ગાંધીની રાજકોટમાં વિશાળ સભાઃ કેજરીવાલનો અમરેલીમાં રોડ-શોઃ ખંભાળીયામાં સભા

નવી દિલ્‍હી, તા.૨૧: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. આમ છતાં ચૂંટણી પ્રચાર પણ વેગ પકડી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો રાજ્‍યના દરેક લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આજે એટલે કે સોમવારે મોટા દિગ્‍ગજોનો મેળાવડો થવાનો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીથી લઈને કોંગ્રેસના રાહુલ ગાંધી અને AAPના અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં ગર્જના કરવાના છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે પોતાના દિગ્‍ગજોની ફોજ ઊભી કરી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે ગુજરાતમાં ત્રણ રેલીઓને સંબોધશે. આ સાથે જ રાહુલ ગાંધીએ રાજ્‍યમાં બે ચૂંટણી રેલીઓ પણ કરવાની છે. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્‍વ સ્‍થાપિત કરવા માટે તમામ પ્રયાસો લગાવી દીધા છે. આમ આદમી પાર્ટીના કન્‍વીનર અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શો દ્વારા લોકોને ગુજરાતમાં મતદાન કરવા માટે અપીલ કરશે.

PMની આજે ગુજરાતમાં ત્રણ રેલીઃ મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સુરેન્‍દ્રનગર, ભરૂચ અને નવસારીમાં રેલી છે. આ પહેલા પીએમ મોદીએ રવિવારે રાજ્‍યમાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. પીએમ મોદીની આજની રેલીઓ કોળી અને આદિવાસી મતદારોના પ્રભુત્‍વવાળા વિસ્‍તારોમાં યોજાવાની છે. પીએમ મોદી ઉપરાંત ભાજપ માટે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, ગળહમંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિત અનેક દિગ્‍ગજોની રેલી છે.

બીજી તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ભારત જોડો યાત્રા સિવાય ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના જંગમાં ઉતરશે. ચૂંટણીની જાહેરાત બાદ રાહુલ ગાંધી આજે પહેલીવાર ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે. રાહુલ ગાંધી સૌરાષ્‍ટ્રના રાજકોટ અને સુરતના મહુધામાં ચૂંટણી સભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ પાટીદારોના ગઢ ગણાતા વિસ્‍તાર અમરેલીમાં રોડ શો કરશે. આમ આદમી પાર્ટી વતી પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન, રાજ્‍યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ પણ ગુજરાતમાં ધામા નાખે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૧ નવેમ્‍બરે ગુજરાતના રાજકોટ અને સુરતના મહુવામાં બે જાહેરસભાને સંબોધશે. રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા'નું નેતળત્‍વ કરી રહ્યા છે, જે હાલમાં મહારાષ્‍ટ્રમાંથી પસાર થઈ રહી છે અને ૨૦ નવેમ્‍બરે મધ્‍યપ્રદેશમાં પ્રવેશ કરશે. હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરવાનું ટાળનાર કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ પ્રથમ વખત રાજકોટ અને સુરતમાં બે જાહેરસભાઓને સંબોધશે.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૦, ૨૧, ૨૨ નવેમ્‍બરે ગુજરાતના પ્રવાસે છે. ૨૧ નવેમ્‍બરે સાંજે ૫:૦૦ કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. તેમજ ૨૨ નવેમ્‍બરે બપોરે ૨:૦૦ કલાકે ખંભાળિયામાં જાહેરસભાને સંબોધશે. સાંજે ૫:૦૦ કલાકે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે ૯:૦૦ કલાકે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

(11:18 am IST)