Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

બોઇંગની મંજૂરી બાદ ઍર ઇન્ડિયાની ભારત-અમેરિકા વચ્ચે ૬ ફ્લાઇટ શરૂ

યુએસમાં 5G સર્વિસ શરૂ થયા બાદ વિમાન-સર્વિસ પર થઈ હતી વિપરીત અસર

નવી દિલ્હી :  બોઇંગની મંજૂરી બાદ ઍર ઇન્ડિયાએ ગઈ કાલથી બોઇંગ બી૭૭૭ ઍરક્રાફ્ટ પર ભારત-અમેરિકા વચ્ચે ૬ ફ્લાઇટ ઉડાડવાની શરૂઆત કરી હતી. નૉર્થ અમેરિકામાં 5G ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવાની તૈયારીના ભાગરૂપે એ ઍરક્રાફ્ટના રેડિયો અલ્ટિમીટર્સ માટે અડચણરૂપ બની શકે એમ હોવાથી ઍર ઇન્ડિયાએ બુધવારે અમેરિકા-ભારતના રૂટ પરની આઠ ફ્લાઇટ્સ રદ કરી હતી.  

અમેરિકી ઉડ્ડયન નિયામક ફેડરલ એવિયેશન પઍડ્મિનિસ્ટ્રેશન (એફએએ)એ ગઈ કાલે નવેસરથી બહાર પાડેલા એક આદેશ દ્વારા જણાવ્યું હતું કે બી૭૭૭ સહિત કેટલાંક ઍરક્રાફ્ટમાં રેડિયો અલ્ટિમીટર્સ ફિટ કરવામાં આવ્યા છે, જેના પર 5G સર્વિસિસની અસર નહીં પડી શકે. આ જાહેરાતને પગલે ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બોઇંગે તેના બી૭૭૭ ઍરક્રાફ્ટને ચલાવવાની મંજૂરી આપી હતી. 
ભારત-અમેરિકા વચ્ચેની પહેલી ફ્લાઇટ જેએફકે (ન્યુ યૉર્ક) ગઈ કાલે સવારે રવાના થઈ હતી. દિવસ દરમ્યાન રવાના થનારી અન્ય ફ્લાઇટ્સમાં શિકાગો અને સાનફ્રાન્સિસ્કોની ફ્લાઇટનો સમાવેશ થાય છે. ફસાયેલા મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યુ.એસ.એ.માં ઊડતા બી૭૭૭ સંબંધિત મામલાનું સમાધાન કરવામાં આવ્યું હોવાનું પ્રવક્તાએ ગઈ કાલે જણાવ્યું હતું. ગઈ કાલથી ઉડ્ડયન શરૂ કરનારી ફ્લાઇટ્સમાં દિલ્હી-ન્યુ યૉર્ક, ન્યુ યૉર્ક-દિલ્હી, દિલ્હી- શિકાગો, શિકાગો-દિલ્હી, દિલ્હી-સાનફ્રાન્સિસ્કો અને સાનફ્રાન્સિસ્કો-દિલ્હીની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ છ ફ્લાઇટ્સ ઉપરાંત મુંબઈ-નેવાર્ક અને નેવાર્ક-મુંબઈની ફ્લાઇટ્સ પણ હતી, જેને ઍર ઇન્ડિયા દ્વારા બુધવારે રદ કરવામાં આવી હતી.

(12:00 am IST)