Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કાશ્મીરમાં ઘુષણખોરીનું ષડયંત્ર : સરહદે હીરાનગર સેક્ટરમાં સુરક્ષા એજન્સીઓને શંકાસ્પદ સુરંગ મળી

પ્રજાસત્તાક દિવસ પર્વ પર હુમલાની આશંકા: પિલર નંબર 88 અને 89 વચ્ચે શોધ અભિયાન દરમિયાન સુરક્ષા એજન્સીઓને સુરંગ મળી

નવી દિલ્હી :ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે હીરાનગર સેક્ટરમાં સુરક્ષા એજન્સીઓને શંકાસ્પદ સુરંગ મળી આવી છે.પ્રજાસત્તાક દિવસ પર્વ પહેલાં જ શંકાસ્પદ સુરંગ મળી આવતાં સરહદી સુરક્ષા દળ (બીએસએફ), હીરાનગર પોલીસ, એસઓજી અને સીઆરપીએફ તરફથી શોધ અભિયાન ચાલી રહ્યું છે. સરહદી કરોલ કૃષ્ણા ચોકી નજીક સુરંગ મળી આવતાં સઘન તપાસ થઇ રહી છે.

પિલર નંબર 88 અને 89 વચ્ચે શોધ અભિયાન દરમિયાન સુરક્ષા એજન્સીઓને સુરંગ મળી આવી હતી. સ્થળ પર હાલમાં કોઇ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પરંતુ સુરંગ મળી આવ્યા પછી ગણતંત્ર દિવસ પહેલાં આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી કરે તેવી આશંકા વ્યક્ત થઇ રહી છે.

સુરક્ષાદળોને આતંકવાદી હુમલાની સંભાવવાની બાતમીઓ મળતી રહે છે, તેવામાં આવી બાબતોને હળવાશથી લઇ શકાય તેમ નથી. હીરાનગર વિસ્તારમાં આ પહેલાં પણ સુરંગ મળી હતી અને ડ્રોનથી હથિયાર ફેંકવામાં આવ્યા હતા. આ પહેલાં જાન્યુઆરી 2021માં બોબિયા વિસ્તારમાં 150 મીટર લાંબી સુરંગ મળી આવી હતી. ઓગસ્ટ 2020માં સાંબા ક્ષેત્રમાં પણ આતંકવાદી ઘૂસણખોરી માટે તૈયાર થયેલી સુરંગ મળી આવી હતી. નવેમ્બર 2020માં આંતરરાષ્ટ્રીય સરહદે રિગાલ ગામ નજીક પણ સુરંગ મળી આવી હતી.

(11:56 pm IST)