Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાષ્‍ટ્રપતિની ચૂંટણી જીતવા ટ્રમ્‍પે ષડયંત્ર રચ્‍યું હતું : ટોચના સૈન્‍ય અધિકારીને વોટિંગ મશીન જપ્‍ત કરવા કહ્યુ'તું

મતદારોની ઇચ્‍છા વિરૂધ્‍ધ પદ પર રહેવું હતું ટ્રમ્‍પને : ફુટયો પત્રબોંબ

વોશિંગ્‍ટન તા. ૨૨ : ૨૦૨૦માં અમેરિકાની ચુંટણીને લઇને સામે આવેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્‍યો છે. રિપોર્ટ અનુસાર ચુંટણી હાર્યા પછી ડોનાલ્‍ડ ટ્રમ્‍પે અમેરિકન સેનાના ઉચ્‍ચ અધિકારીઓને વોટીંગ મશીન જપ્‍ત કરવાનો આદેશ આપ્‍યો હતો. આ આદેશ વાઇટ હાઉસ તરફ લેખિતમાં આપવામાં આવ્‍યો હતો. નેશનલ આર્કાઇવ દ્વારા જાહેર કરાયેલ આ રિપોર્ટ અનુસાર, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ મતદારોની ઇચ્‍છા વિરૂધ્‍ધ પણ રાષ્‍ટ્રપતિ પદ પર ચીટકી રહેવા માંગતા હતા.
વ્‍હાઇટ હાઉસ દ્વારા આ આદેશ ૧૬ ડિસેમ્‍બર ૨૦૨૦ના રોજ આપવામાં આવ્‍યો હતો. આ આદેશની સાથે જ એક ખાસ વકીલને પણ તહેનાત કરવાનું કહેવામાં આવ્‍યું હતું. વોટીંગ મશીન જપ્‍ત કર્યા પછી ઘણાં બધા વિવાદો સામે આવત, તેની સામે લડવા માટે વકીલને તહેનાત કરવાના હતા. જો કે આ આદેશમાં કોઇની પણ સહી નથી. આ પત્ર પણ એ ૭૫૦ દસ્‍તાવેજોનો હિસ્‍સો છે, જે કેપીટલ હીલ હિંસાની તપાસ માટે બનાવાયેલ સમિતિને સોંપવામાં આવ્‍યા છે. આ ત્રણ પાનાના લેખિત આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે, આ તાત્‍કાલિક અસરથી લાગુ થાય છે. સંરક્ષણ સચિવને આદેશ આપવામાં આવ્‍યો છે કે મશીનોને જપ્‍ત કરવામાં આવે અને તેનું આંકલન કરવામાં આવે. આ દસ્‍તાવેજમાં હેક કરાયેલ વોટીંગ મશીનો અંગે પણ ઘણું બધું છે કે ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિએ કેવી રીતે મતની સંખ્‍યા વધારવા ષડયંત્ર રચ્‍યું હતું.

 

(1:23 pm IST)