Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

અમેરિકા-કેનેડા બોર્ડર ઉપર ઠંડીમાં ઠુંડવાઇ જવાથી 4 વ્‍યકિતના મોતથી અરેરાટીઃ માઇનસ 35 ડિગ્રી ઠંડી લાગી જતા દંપત્તિ તથા પુત્રી અને પુત્રએ જીવ ગુમાવ્‍યાઃ મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના સભ્‍યો હોવાની શક્‍યતા

તમામ લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરતા હતા

નવી દિલ્હીઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા સૌ કોઈ જાણે છે. વિદેશી ધરતી પર પહોંચવા માટે તેઓ કોઈ પણ હદે જવા માટે તૈયાર હોય છે. ત્યારે કેનેડા બોર્ડર પર ચાર ગુજરાતીઓને આ જ કારણે દર્દનાક મોત મળ્યુ છે. કોઈ વિચારી પણ નહિ શકે તેવુ મોત મળ્યુ છે. એક ગુજરાતી પરિવાર માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં થીજી ગયુ હતુ. અમેરિકા-કેનેડાની બોર્ડર પર મહેસાણાના પરિવારના 4 લોકોના ઠંડીમાં ઠુઠવાઈને મોતની આશંકા છે. માઈનસ 35 ડિગ્રી તાપાનમાં માતા-પિતા અને બે સંતાનના મૃત્યુ થયા છે. પરંતુ હજી સુધી આ ગુજરાતીઓની ઓળખ સામે આવી નથી. આખરે કોણ છે આ ગુજરાતીઓ જે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરી રહ્યા હતા.

અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના મોતની આશંકા છે. ઠંડીમાં ઠુઠવાઇને 4 ગુજરાતીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ ચારેય લોકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના સભ્યોની હોવાની શક્યતા છે. મૃતદેહો પતિ-પત્ની અને 12 વર્ષની દીકરી સાથે 3 વર્ષના દીકરાના હતા. માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં હચમચાવી દે તેવા મોત આ ગુજરાતીઓને મળ્યા છે. અતિશય ઠંડીને કારણે 4 ગુજરાતીઓના મોત થયા હતા. જોકે, આ ગુજરાતીઓ કોણ છે અને ક્યાંના છે તે હજી માલૂમ પડ્યુ નથી.

ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ મુજબ, અધિકારીઓને ત્રણ લોકોના મૃતદેહો મળ્યા હતા. તેઓ અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મીટર જ દૂર હતા. ત્યાર બાદ પોલીસે વધુ શોધખોળ કરતાં થોડે દૂરથી વધુ એક મૃતદેહો મળ્યો હતો.

કેનેડાના વડાપ્રધાને આ ઘટનાને દુખદાયી ગણાવી છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર, તમામ લોકો ગુજરાતીમાં વાત કરતા હતા. આ તમામ લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરી રહ્યા હતા. તેમને અમેરિકાથી કોઈ લેવા માટે આવી રહ્યુ હતું. કેનેડામાં ઊતર્યા બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોનાં ડાયપર, રમકડાં, બાળકોની દવા, કપડાં મળ્યાં છે.

(4:33 pm IST)