Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

લોકર સેવાની ખામી માટે બેંકો જવાબદાર ગણાશે : લોકર ધારકને નોટિસ આપ્યા વિના કે તેની સંમતિ વિના લોકર તોડનાર બેન્કને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારતી સુપ્રીમ કોર્ટ : અરજી કરનારને ખર્ચ પેટે 1 લાખ રૂપિયા ચૂકવવાનો પણ હુકમ : ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ લોકર ધારકને ચોરી ,લૂંટફાટ ,સામે સલામતી આપવા બેંકોને આદેશ : નવી ગાઇડલાઇન આપવા રિઝર્વ બેન્કને પણ જસ્ટિસ શ્રી મોહન એમ.તથા શ્રી વિનીત શરનની સૂચના

ન્યુદિલ્હી : તાજેતરમાં અમિતાભ દાસગુપ્તા વિરુદ્ધ યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા કેસ મામલે સુપ્રીમ કોર્ટએ બેન્કોને લોકર ધારકોની સલામતી અંગે કડક સૂચના આપતો ચુકાદો આપ્યો છે.

ચુકાદા મુજબ  લોકર સેવાની ખામી માટે બેંકો જવાબદાર ગણાશે . લોકર ધારકને નોટિસ આપ્યા વિના કે તેની સંમતિ વિના લોકર તોડી શકાશે નહીં.નામદાર કોર્ટએ ગ્રાહક  સુરક્ષા અધિનિયમ મુજબ લોકર ધારકને ચોરી ,લૂંટફાટ ,સામે સલામતી આપવા બેંકોને આદેશ કર્યો છે.તેમજ પારદર્શક વહીવટ માટે જરૂરી સૂચનાઓ આપવાની સાથે રિઝર્વ બેન્કને પણ આ અંગે 6 માસમાં  નવી ગાઈડ લાઈન જારી કરવા સૂચના આપી છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ જસ્ટિસ શ્રી મોહન એમ.તથા શ્રી વિનીત શરનની  ખંડપીઠે  જવાબદાર બેન્કને  5 લાખ રૂપિયાનો દંડ  ફટકાર્યો છે.જે જવાબદાર અધિકારીઓ પાસેથી વસુલ કરવાની સૂચના આપી છે.અને જો તેઓ નિવૃત થઇ ગયા હોય તો તે રકમ બેન્ક ભોગવે તેવી સૂચના આપી છે.ઉપરાંત અરજદારને ખર્ચ પેટે 1 લાખ રૂપિયા આપવાનો હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અરજદાર અમિતાભ દાસગુપ્તાએ પોતાના લોકરનું ચડત ભાડું ચૂકવી દીધું હતું.તેમછતાં તેમને નોટિસ આપ્યા વિના કે તેમની સંમતિ વિના બેંકે તેમનું લોકર તોડી નાખ્યું હતું.જેની જાણ અરજદારને લોકર ખોલવા આવ્યા ત્યારે થઇ હતી.આથી તેમણે બેન્ક વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો હતો.

નામદાર કોર્ટએ બેન્કોને લોકર ફાળવવામાં ,તેમજ તેના વહીવટ ,સહીત તમામ બાબતે પારદર્શક વહીવટ આપવા આદેશ કર્યો હતો તેમજ રિઝર્વ બેન્કને પણ કન્ઝ્યુમર પ્રોટેક્ટ એક્ટ હેઠળ નવી ગાઈડ લાઈન જારી કરવા સૂચના આપી  હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:02 pm IST)