Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ઈ-વાહનમાં આગ લાગવાના બનાવો અંગે સરકાર કરશે કડક કાર્યવાહી :કસૂરવાર કંપનીઓ સામે લેવાશે પગલાં

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું - નિષ્ણાત સમિતિના અહેવાલ મળ્યા બાદ સરકાર આવી બાબતોમાં જરૂરી આદેશો જાહેર કરશે

નવી દિલ્હી : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સરકાર કસૂરવાર કંપનીઓ સામે જરૂરી આદેશો જાહેર કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું હતું કે આવા મામલામાં નિષ્ણાત સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ સરકાર જરૂરી આદેશો જાહેર કરશે. આવા કેસોની તપાસ માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. ગડકરીએ અનેક ટ્વીટ દ્વારા કહ્યું કે છેલ્લા બે મહિનામાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને લગતા અનેક અકસ્માતો સામે આવ્યા છે. ગડકરીએ કહ્યું કે તેમણે આ ઘટનાઓની તપાસ કરવા અને ઉપચારાત્મક પગલાંની ભલામણ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે.

રિપોર્ટના આધારે તેઓ બેદરકારી દાખવનાર કંપનીઓ પર જરૂરી આદેશ જાહેર કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા-કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરશે. તેમણે કહ્યું કે જો કોઈ કંપની તેની પ્રક્રિયામાં બેદરકારી દાખવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે અને તમામ ખામીયુક્ત વાહનોને પરત લેવાનો આદેશ પણ આપવામાં આવશે.

ગડકરીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે છેલ્લા બે મહિનામાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને લગતા ઘણા અકસ્માતો સામે આવ્યા છે. તેણે ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ ઘટનાઓમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ એમ પણ કહ્યું કે આ દરમિયાન કંપનીઓ તમામ ખામીયુક્ત વાહનોના બેચને તાત્કાલિક પરત લેવા માટે કાર્યવાહી પણ કરી શકે છે. તેમણે ટ્વિટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની સરકાર દરેક મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ ઉપરાંત, અદાણી ટોટલ ગેસ લિમિટેડે અમદાવાદમાં તેના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. આ કંપની અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જી SE વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

(11:08 pm IST)