Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ધોની ફરી ફિનીશરના અંદાજમાં :છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી મુંબઈના મોઢેથી વિજયનો કોળિયો છીનવ્યો

ધોનીએ છેલ્લી ઓવરમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 16 રન ફટકારતા ચેન્નઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો

મુંબઈ :કેપ્ટન કુલ ગણાતા ધોનીએ છેલ્લી ઓવરમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 16 રન ફટકારતા ચેન્નઇ સુપર કિંગ્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો.

મુંબઇના સાત વિકેટે 155 રનના જવાબમાં ચેન્નઇએ છેલ્લા બોલે સાત વિકેટે 156 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. રનચેઝ કરનાર ચેન્નઇની ટીમ માટે રોબિન ઉથપ્પાએ 30, રાયડુએ 40 તથા ધોનીએ 13 બોલમાં અણનમ 28 રન ફટકાર્યા હતા. ડેનિયલ સેમ્સે 30 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પહેલાં મુંબઇની ટીમે ખરાબ શરૂઆત કરી હતી અને 47 રનના સ્કોર સુધીમાં રોહિત શર્મા (0) સહિત ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્માએ 43 બોલમાં અણનમ 51 રન ફટકારીને ટીમને 150 પ્લસના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. મુકેશ ચૌધરીએ 19 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

મુંબઇ સામેની મેચ માટે મેદાનમાં ઉતરવાની સાથે રોબિન ઉથપ્પાએ આઇપીએલમાં પોતાની 200મી મેચ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે સાતમો ખેલાડી છે. આ પહેલાં ધોની, કાર્તિક, રોહિત, કોહલી, જાડેજા તથા રૈના આ માઇલસ્ટોન હાંસલ કરી ચૂક્યા છે. તેણે 199 મેચમાં 28.10ની સરેરાશથી 4919 રન બનાવ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે તેણે આઇપીએલમાં એક પણ સદી નોંધાવી નથી.

(12:20 am IST)