Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ચિનાબ પાવર પ્રોજેક્ટમાં કૌભાંડ સંદર્ભમાં દેશના 7 શહેરના વિવિધ 17 સ્થાને સીબીઆઈના દરોડા

જમ્મુ-કાશ્મીરના IAS અધિકારી સહિતના લોકોના નિવાસ સ્થાને દરોડા: મેઘાલયના રાજ્યપાલે કરેલા આક્ષેપ પછી તપાસ

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સીએ ગુરુવારે ચિનાબ પાવર પ્રોજેક્ટમાં સર્જાયેલા કૌભાંડ સંદર્ભમાં દેશના 7 શહેરના વિવિધ 17 સ્થાને તપાસ માટે દરોડા પાડયા હતા.

CBIએ તપાસ માટે જમ્મુ, શ્રીનગર, મુંબઇ, નોઇડા, દિલ્હી, કેરળના થિરૂવનન્થપુરમ અને બિહારના દરભંગા ખાતેના 14 સરનામે સર્ચ અભિયાન ચલાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, CBIની ટીમોએ ગુરુવારે સવારે જમ્મુ કાશ્મીરના એક IAS અધિકારી સહિત અન્ય લોકોના નિવાસે દરોડા પાડયા હતા. કાર્યરત આઇએએસ અધિકારી નવીન ચૌધરી (મુખ્ય સચિવ, કૃષિ ઉત્પાદન અને ખેડૂત કલ્યાણ) ઉપરાંત ચિનાબ વેલી પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન લિમિટેડના ત્રણ પૂર્વ અધિકારીઓને ત્યાં સીબીઆઇ ટીમે દરોડા પાડયા હતા.

ચિનાબ પાવર પ્રોજેક્ટના 3 પૂર્વ અધિકારીઓમાં પૂર્વ એમડી એમ.એસ.બાબુ, એમ.એ.મિત્તલ અને અરુણકુમાર મિશ્રાાનો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટ થયો ત્યારે આઇએએસ અધિકારી નવીન ચૌધરી ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટના એમડી હતા.

સીબીઆઇ દ્વારા ચિનાબ પાવર પ્રોજેક્ટમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સંબંધમાં નોંધવામાં આવેલા કેસ અનુસંધાને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અધિકારીઓ સામે વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરમાં મુંબઇની એક કંપનીને એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપતા ભ્રષ્ટાચાર આદર્યો હોવાના આક્ષેપ છે. પ્રોજેક્ટ માટે થયેલી ભંડોળ ફાળવણી વખતે પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ છે.

  મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ભ્રાષ્ટાચારના કરેલા આક્ષેપ પછી જમ્મુ કાશ્મીર સરકારે મલિકે કરેલા આક્ષેપોની સચ્ચાઇ ચકાસવા સીબીઆઇને તપાસ સોંપી હતી. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, તેઓ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ પદ સંભાળી રહ્યા હતા ત્યારે બે ફાઇલો આગળ વધારવા માટે તેમને રૂપિયા 300 કરોડની લાંચની ઓફર થઇ હતી.

(12:49 am IST)