Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

અમુલ આયુર્વેદ આધારિત પ્રોડકટ બજારમાં મૂકશે

અશ્વગંધા દુધ, કેસર દૂધ ઉપરાંત આઇસ્‍ક્રીમ, મધ, કુકીઝ, શેઇક, ચોકલેટ, ધી વગેરે આયુર્વેદ આધારિત પ્રોડકટ બજારમાં મૂકશે : અમુલ દ્વારા ૪૦૦ કરોડનું કરાશે રોકાણ : આયુષ માટે રૂા. ૬૦૦૦ કરોડના રોકાણની દરખાસ્‍તો : ૫૦ ટકા ગુજરાતમાંથી

નવી દિલ્‍હી તા. ૨૨ : આયુષ મંત્રાલયે ૨૮ ભારતીય કંપનીઓ સાથે ૬૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ માટેના લેટર ઓફ ઇન્‍ટેન્‍ટ (એલઓઆઇ) સાઇન કર્યા છે. રસપ્રદ વાત એ છે કે આમાંથી ૫૦ ટકા પ્રપોઝલ ગુજરાતની છે. ગુજરાતમાંથી લેટર ઓફ ઇન્‍ટેન્‍ટ સાઇન કરનાર કંપનીઓમાં અમુલ બ્રાન્‍ડની માલીક ગુજરાત કો-ઓપરેટીવ મીલ્‍ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) પણ સામેલ છે જે લગભગ ૪૦૦ કરોડનું રોકાણ કરશે.
અમુલ આગામી દિવસોમાં આયુર્વેદ આધારિત ઉત્‍પાદનો જેવા કે પીણા, આઇસ્‍ક્રીમ, મધ, કુકીઝ, શેઇક, ચોકલેટ, દહીં, ઘી અને પ્રોટીન બેઝડ ચીજોનું ઉત્‍પાદન શરૂ કરશે. પીણાઓની શ્રેણીમાં અશ્વગંધા દૂધ, કેસર દૂધ અને સ્‍ટાર એનીસ દૂધ હશે. અમુલ અત્‍યારે હલ્‍દી દૂધ, તુલસી દૂધ અને આદૂ દૂધ બજારમાં વેચી જ રહ્યું છે.
જીસીએમએમએફના ચીફ ઓપરેટીંગ ઓફિસર જયેન મહેતાએ કહ્યું કે, અમુલ આયુષ/આયુર્વેદ આધારિત વિવિધ ઉત્‍પાદનો માટે ૪૦૦ કરોડનું રોકાણ કરશે. જેમાંથી મોટો ભાગ ઘીની સુવિધા ઉભી કરવામાં વપરાશે. તેમણે વધુમાં ઉમેર્યુ કે અમે અત્‍યારે આઇસ્‍ક્રીમમાં હળદર અને ઇસબગુલ ફલેવર બજારમાં મુકેલી જ છે. હવે અમે શુધ્‍ધ મધમાં રાઇ, વરીયાળી, તલ અને અજમા જેવી વિવિધ પ્રોડકટનું આયોજન કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે પ્રોટીન ઉત્‍પાદનોમાં હાઇપ્રોટીન લસ્‍સી, છાસ, આઇસ્‍ક્રીમ, ચોકલેટ, પાણી, કૂકીઝ અને દહીંથી શરૂઆત કરવામાં આવશે.
ગ્‍લોબલ આયુષ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ઇનોવેશન સમીટ ૨૦૨૨માં ૨૮ અન્‍ય કંપનીઓએ રોકાણ, ઇનોવેશન અને ઉત્‍પાદનમાં રસ દાખવ્‍યો છે તેમાં ડાબર ઇન્‍ડીયા, કામા આયુર્વેદા, પતંજલી વગેરે નામો સામેલ છે

 

(10:43 am IST)