Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

વિજય માલ્‍યા અને નીરવ મોદીના પ્રત્‍યર્પણનો માર્ગ થશે મોકળો?

બોરિસ જોનસનની સાથે બેઠકમાં પીએમ મોદી ઉઠાવશે મુદ્દો

નવી દિલ્‍હી તા. ૨૨ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્‍સન વચ્‍ચેની આજની બેઠકમાં ભારત આર્થિક ભાગેડુ વિજય માલ્‍યા અને નીરવ મોદીના પ્રત્‍યાર્પણનો મુદ્દો ઉઠાવી શકે છે. ભારતીય બેંકો સાથે હજારો કરોડનું કૌભાંડ કરનારા બંને યુકેમાં હાજર છે. ભારતે તેના પ્રત્‍યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ તે હજુ પણ કાયદાકીય યુક્‍તિઓનો આશરો લઈને ભાગી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્‍યું હતું કે ભારત તરફથી વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. ભારત વિનંતી કરી શકે છે કે માલ્‍યા અને નીરવ મોદીના કોઈપણ પેન્‍ડિંગ કાનૂની કેસોનો યુકેમાં ઝડપથી નિકાલ કરવામાં આવે જેથી તેઓને વહેલામાં વહેલી તકે ભારતને સોંપી શકાય. વિજય માલ્‍યા અને નીરવ મોદીની અપીલ યુકેમાં ઘણા સ્‍તરે ફગાવી દેવામાં આવી છે, પરંતુ તેમ છતાં તેઓ પ્રત્‍યાર્પણ રોકવા માટે નવી કાનૂની યુક્‍તિઓ અપનાવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા અરિંદમ બાગચીએ કહ્યું કે તેઓ રોડમેપ ૨૦૩૦ સહિત દ્વિપક્ષીય, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્‍સનની મહત્‍વપૂર્ણ અને ફળદાયી મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. અમે તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ, બાગચીએ જણાવ્‍યું હતું.
મંત્રાલયે કહ્યું કે દિલ્‍હીમાં ૨૨ એપ્રિલે બ્રિટિશ વડા પ્રધાન જહોન્‍સનનું રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્‍વાગત કરવામાં આવશે. તેઓ રાજઘાટ ખાતે મહાત્‍મા ગાંધીની સમાધિના દર્શન કરવા અને પુષ્‍પાંજલિ અર્પણ કરવાના છે. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન જોન્‍સન એ જ દિવસે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે. જોનસન વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળશે. બંને દેશો વચ્‍ચે કેટલાક એમઓયુની પણ આપ-લે થઈ શકે છે.બ્રિટન સાથે ભારતની પ્રત્‍યાર્પણ સંધિ ૧૯૯૨ની છે, પરંતુ તેની જટિલતાઓને કારણે ગુનેગારોને પરત લાવવામાં બહુ ઓછી સફળતા મળી છે. આથી સમજી શકાય છે કે ભારત આ મામલે રાજદ્વારી હસ્‍તક્ષેપના પક્ષમાં છે. જયારે આ વિશે પૂછવામાં આવ્‍યું ત્‍યારે વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને વડાપ્રધાન કયા મુદ્દા પર વાત કરે છે તે કહેવું મુશ્‍કેલ છે. પરંતુ શુક્રવારે જે પણ મંત્રણા થશે તેના પરિણામો જણાવવામાં આવશે.

 

(12:07 pm IST)