Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ક્રીમીનલ કેસના પુરાવા ટીવી ચર્ચાનો હિસ્‍સો ના બને

સુપ્રીમ કોર્ટની પોલીસ અને મીડીયાને ચેતવણી

નવી દિલ્‍હી તા. ૨૨ : સુપ્રીમ કોર્ટે ગંભીર ગુનાના કેસોના સબૂતોને ટીવી ચેનલો પર લીક કરવા અને તેના પર ચર્ચા કરવા બાબતે નારાજગી વ્‍યકત કરી છે. સુપ્રીમ કોર્ટે મીડીયા અને પોલીસને ચેતવણી આપવા બાબતે સાવચેતી રાખવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે તપાસ અધિકારીઓ અને મીડિયા બન્‍નેને ચેતવણી આપી છે કે, આ પ્રકારનું આચરણ કર્તવ્‍યની ઉપેક્ષા અને કોર્ટની કામગીરીમાં હસ્‍તક્ષેપ સમાન છે.

અદાલતની આ ચેતવણી મંગળવારે એક ચૂકાદા દરમિયાન આવી છે. આ કેસ ૧૯૯૯માં બેંગ્‍લોરમાં ડકૈતીનો છે. સુપ્રીમ કોર્ટે લુંટના આરોપી ચારે લોકોને છોડી મુકયા છે. કોર્ટને લાગ્‍યું કે, પ્રોસીક્‍યુશન તરફથી રજૂ કરાયેલ સબુતોમાં ઘણી વસ્‍તુઓ મીસીંગ છે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીઓને મોતની સજા સંભળાવી હતી, જેને કર્ણાટક હાઇકોર્ટે આજીવન કારાવાસમાં ફેરવી નાખી હતી.  ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં એક બહુ પરેશાન કરનાર પાસુ એ છે કે પોલિસે આરોપીનું બયાન રેકોર્ડ કરાયું હતું એ ડીવીડી જ એક ન્‍યુઝ ચેનલને લીક કરી દીધી હતી. જસ્‍ટીસ લલિત અને નરસીંહાની બેંચે કહ્યું કે, આરોપીના સ્‍ટેટમેન્‍ટની ડીવીડી એક ખાનગી ટેલીવીઝન ચેનલના હાથમાં જવી જેથી તેના પર કાર્યક્રમ બની શકે, તે કર્તવ્‍યની ઉપેક્ષા અને ન્‍યાય પ્રશાસનમાં ડાયરેકટ હસ્‍તક્ષેપ સીવાય બીજું કશું જ નથી.  બેંચે કહ્યું, ‘કોઇ ટીવી ચેનલ પર અદાલતમાં કેસ ચાલતો હોય તેવા કેસની ચર્ચા ન્‍યાય પ્રશાસનમાં સીધા હસ્‍તક્ષેપ સમાન ગણાશે. જાહેર મંચ પર આ પ્રકારની ચર્ચા અથવા સબૂત માટે જગ્‍યા નથી.

(1:23 pm IST)