Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

પક્ષ જવાબદારી સોંપે તે નીભાવવા તૈયારઃ કેસરીદેવસિંહજી

વાંકાનેર ધારાસભા બેઠકમાં પરિવર્તનના સંજોગો ઉજળાઃ તાલુકા પંચાયતમાં ભગવો વિજય એ ઐતિહાસિક ઘટના છેઃ વાંકાનેર પંથકને વિકાસનો પુરો લાભ પ્રાપ્ત થયો નથીઃ કેસરીદેવસિંહજી ર૦૧૧ થી સક્રિય, મોમીન સહીત સર્વ સમાજમાં રાજ પરિવારનું માન : વાંકાનેર સ્‍ટેટના વર્તમાન મહારાજ ‘અકિલા'ની મુલાકાતે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાંકાનેર સ્‍ટેટના વર્તમાન મહારાજ કેસરીદેવસિંહજી અને પ્રદીપભાઇ મહેતા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૨૨: હું ભાજપનો સંનિષ્‍ઠ કાર્યકર છું, પક્ષ જે જવાબદારી સોંપે તે નિષ્‍ઠાપુર્વક નિભાવી છે અને નીભાવવા તૈયાર પણ છું.
આ શબ્‍દો વાંકાનેર સ્‍ટેટના વર્તમાન મહારાજ કેસરીદેવસિંહજીના છે. તેઓ ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. કેસરીદેવસિંહજી એક દાયકાથી  વધારે સમયથી જાહેર જીવનમાં રાજનીતિમાં સક્રિછે તેઓ વાંકાનેર પંથકમાં રાજનીતિનો ગહન અભ્‍યાસ ધરાવે છે. રાજવી ખાનદાનની પ્રતિષ્‍ઠા ઉપરાંત કેસરીદેવસિંહજીએ ખુદનું આગવું વ્‍યકિતત્‍વ સજર્યુ છે.
કેસરીદેવસિંહજીએ જણાવ્‍યું હતું કે, વાંકાનેર ધારાસભા બેઠકના ઇતિહાસ પ્રમાણે માત્ર બે વખત જ ભાજપના ઉમેદવાર જીત્‍યા છે. મોટાભાગે કોંગ્રેસ પ્રભાવીત રાજનીતિ રહી છે. છેલ્લા બે દાયકા જેટલા સમયથી કોંગ્રેસના ધારાસભ્‍ય છે. જો કે કોંગ્રેસની સામાન્‍ય નેતાગીરીના કારણે વાંકાનેર પંથકને વિકાસનો પુરતો લાભ મળ્‍યો નથી. પંથકનો મુખ્‍ય આધાર કૃષિ-પશુપાલન છે. આ માટે પાણી અનિવાર્ય જરૂરીયાત છે. નર્મદાના જલ વાંકાનેર પંથકમાં નથી પહોંચ્‍યા એ હકીકત છે. આ ઉપરાંત અન્‍ય વિકાસકાર્યો પણ ધારાસભ્‍યના સ્‍તરના નથી થયા.
કેસરીદેવસિંહજીએ જણાવ્‍યું હતું કે અમે વાંકાનેર પંથકનું રાજકીય માઇન્‍ડ સેટ બદલવા પ્રયોગ કર્યો હતો. લોકોનું દિલ જીતીને રાજકીય હવા બદલવાનો સકારાત્‍મક માર્ગ લીધો હતો. અમને આનંદ છે કે આ દિશામાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઇ છે. ભાજપ ઇતિહાસમાં પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત જીત્‍યો છે. પક્ષે પણ ખાનદાની દાખવીને ભાજપ શાસીત તાલુકા પંચાયતનું ચેરમેન પદ મોમીન સમાજના અગ્રણીને આપ્‍યું છે.
રાજકીય મહાપરિવર્તનના સંકેત આપતી આ ઘટના છે તેમ કહીને કેસરીદેવસિંહજીએ જણાવ્‍યું હતુ કે, સહકારી ક્ષેત્રે યાર્ડની ચુંટણીમાં પણ અમે સકારાત્‍મક પ્રયોગો કર્યા હતા. જેનું આશાસ્‍પદ પરિણામ દેખાઇ રહયું છે. જો કે આ ચૂંટણીના પરીણામો કોર્ટમાં છે. તેથી તે અંગે કંઇક કહેવું યોગ્‍ય ન ગણાય.
કેસરીદેવસિંહજીએ વાંકાનેર ધારાસભા  બેઠકનું સંપુર્ણ ચિત્ર રજુ કરતા જણાવ્‍યું હતું કે ટોટલ સવા બે લાખ જેટલા મત છે. ૪૦ ટકા જેટલા લઘુમતી મતદારો છે. તાલુકા પંચાયત અને યાર્ડની ચુંટણીમાં સકારાત્‍મક વલણના કારણે બહુમતી તમામ, સમાજ સાથે લઘુમતી સમાજના મતો પણ ભાજપ તરફ વળ્‍યા હતા. પક્ષ સજાગતા રાખે તો વાંકાનેર ધારાસભા બેઠક પર ભાજપનો ભવ્‍ય વિજય શકય છે.
તમે ચૂ઼ંટણી લડવા તૈયાર છો? આવા સીધા પ્રશ્નના જવાબમાં કેસરીદેવસિંહજીએ જણાવ્‍યું હતું કે મેં આગળ કહયું તેમ પક્ષ કોઇ પણ જવાબદારી સોંપે તે નિષ્‍ઠાપુર્વક નીભાવવા તૈયાર છું.
તેઓ કહે છે કે, રાજવી પરિવાર પ્રત્‍યે લોકોની આશા હોય તે પરંપરાગત સામાજીક લક્ષણ છે. અમારી પરંપરા પ્રમાણે આઝાદી બાદ પણ લોકોના કામ અમે કરતા રહયા છીએ આ કારણે સર્વજન સમુદાયમાં વાંકાનેર સ્‍ટેટની ચાહના છે. કેસરીદેવસિંહજીએ તીલક વિધિ બાદ જુની પરંપરા પ્રમાણે દરબાર ભરવાનો પ્રયોગ કર્યો હતો. આ દરબારમાં લોકપ્રશ્નો સાંભળીને તેના ઉકેલના પ્રયાસો  કર્યા હતા.
આ પ્રયોગ સફળ રહેતા કેસરીદેવસિંહજી કાયમી વિશેષ કાર્યાલયની વ્‍યવસ્‍થા કરી છે. ઉપરાંત કાયમી સેવા કેન્‍દ્ર પણ શરૂ કર્યુ છે. જેમાં ત્રણ લોકો નિરંતર સેવા આપે છે. લોકોના પ્રશ્નો-સમસ્‍યામાં મદદરૂપ થવાનો અહી નિઃસ્‍વાર્થ અને સંનિષ્‍ઠ પ્રયાસ થાય છે.
આવા પ્રયોગોથી કેસરીદેવસિંહજીનું આગવું વ્‍યકિતત્‍વ સર્જાયું છે. નાત-જાત-ધર્મ-કોમનો બાધ રાખ્‍યા વગર લોકોના થઇ શકે તેવા કાર્યો કરવામાં આવે છે.
કેસરીદેવસિંહજીએ અંતમાં જણાવ્‍યું હતું કે, વાંકાનેર પંથકના પુર્ણ વિકાસ માટે અમે વિશિષ્‍ટ રૂપરેખા ઘડી છે. આ પંથક રાજકીય પરિવર્તન માટે સજ્જ થઇ ગયો છે.
ભારતીય જનતા પાર્ટી સજાગ રહીને ચુંટણી વ્‍યુહ ઘડે તો આગામી ધારાસભાની ચુંટણીમાં સર્વ સમાજના મત પ્રાપ્ત થાય તેમ છે.

વાંકાનેરના ઐતિહાસિક પેલેસના નવસર્જનનું કાર્ય
પેલેસના ટાવર્સને નવું રૂપ અપાશેઃ ભવિષ્‍યમાં મ્‍યુઝીયમ શરૂ થશેઃ કેસરીદેવસિંહજી

રાજકોટ તા. રર : વાંકાનેર સ્‍ટેટના ઐતિહાસિક પેલેસને નવા રંગરૂપ અપાઇ રહ્યા છે. આ અંગે કેસરી દેવસિંહજીએ જણાવ્‍યું હતું કે, ભૂકંપ વખતે થોડી  નુકશાની થઇ હતી, જે ઠીક કરી દેવાઇ છે. હાલ પેલેસનું રિનોવોશન ચાલુ છે. પેલેસના ટાવર્સને નવા રંગરૂપ અપાશે ભવિષ્‍યમાં મ્‍યુઝિયમ બનશે, જેનો લાભ લોકો લઇ શકશે. આ પેલેસ ૪૦૦ વર્ષનો ઇતિહાસ જીવંત રાખે છે. પેલેસ સંકુલમાં ધોળેશ્વર મહાદેવ મંદિર છે, એ વાંકાનેરની સ્‍થાપના પૂર્વેનું પ્રાચીન છે.
લોકશાહી કરતા રાજાશાહી સારી હતી ? કેસરી દેવસિંહજી હસતા-હસતા કહે છે કે, રાજ પરિવારમાં બાળપણથી જ રાજયના સંચાલનની ટ્રેઇનીંગ અપાતી હતી. શાસન અને પ્રજાહિત લોહીમાં વહેતા હતા.
વાંકાનેર સ્‍ટેટ સમયે મચ્‍છુ-૧ ડેમ બંધાવો શરૂ થયો હતો. તત્‍કાલીન રાજયોએ અંગત રસ લઇને કાળા પથ્‍થરની પૂર્ણ ચકાસણી બાદ ડેમ નિર્માણમાં ઉપયોગમાં લેવાયા હતા. મચ્‍છુ-ર ડેમ આઝાદી બાદ લોકશાહી સરકારે બાંધ્‍યો હતો. મચ્‍છુ-ર તૂટયો હોનારત થઇ...મચ્‍છુ-૧ ડેમમાં હજુ સુધી તીરાડ પણ પડી નથી. આ ડેમ છલકાય ત્‍યારે હજુ રાજવી પરિવાર જલને વધાવવા જાય છે

રાજકુમાર કોલેજ વેચવાનો વિરોધ પ્રથમ અમે કરીશું
રાજવી સંસ્‍થા વિવાદમાં આવે તો શોભે નહિ, સંસ્‍થા વિવાદોથી મુકત રહે તે માટે અમે મતદાનથી દૂર રહ્યા હતા. કેસરીદેવસિંહજી

રાજકોટ તા.રર : રાજકોટમાં રાજવીઓના ગૌરવ સમાન રાજકુમાર કોલેજ ધમધમે છે. આ કોલેજ અંગે વિવિધ અફવાઓ પણ સતત ચાલતી રહે છે. રાજકુમાર કોલેજની પ્રોપર્ટી વેચવાની વાત  અંગે સવાલ પુછતા વાંકાનેર સ્‍ટેટના કેસરી દેવસિંહજીએ જણાવ્‍યું હતું કે, આ અંગે સત્તાવાર પ્રસ્‍તાવ મારી પાસે આવ્‍યો નથી, પરંતુ ગૌરવવંતી રાજકુમાર કોલેજ વેચવાની હિલચાલ થશે તો સૌપ્રથમ વિરોધ અમે કરીશું.
રાજકુમાર કોલેજના વિવાદો સામે નારાજગી વ્‍યકત કરતા કેસરીદેવસિંહજીએ જણાવ્‍યું હતું કે, રાજવી પરંપરાના ગૌરવ સમાન આ સંસ્‍થા છે.આવી સંસ્‍થાને નમન કરવાનું હોય, વિવાદો શોભતા નથી. આવી સંસ્‍થાઓ લાભ લેવા માટે નહિ, ગૌરવ લેવા માટે હોય છે.
તેઓએ આગળ જણાવ્‍યું હતું કે, આધુનિક યુગ છે. રાજકુમાર કોલેજના મેનેજમેન્‍ટ માટે પ્રોફેશનલ્‍સને કામ સોંપવું જોઇએ આ સંસ્‍થા વિવાદોથી દુર રહે તેવા પ્રયાસરૂપે અન ેકોલેજની ચૂંટણીના મતદાનથી દુર રહ્યા હતા.

 

(3:46 pm IST)