Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મુંબઇઃ વાળ કપાવવાના પૈસા હવે તમારી ટાલ પાડશે

લોકડાઉનને કારણે બંધ રહ્યાં હોવાથી તથા મોંઘવારીને કારણે પહેલી મે-થી સલૂન અને બ્‍યુટીપાર્લરમાં સ્‍કિલ્‍ડ વર્કરના ૫૦ ટકા અને અનસ્‍કિલ્‍ડ વર્કરના ૩૦ ટકા ચાર્જિસ વધશે

મુંબઇ, તા.૨૨: મહામારીમાં થયેલા નુકસાનને ધ્‍યાનમાં રાખીને સલૂન અને બ્‍યુટીપાર્લર અસોસિએશને ૫૦ ટકા સુધી ભાવવધારો કરવાનો નિર્ણય લેતાં પહેલી મેથી તમારો સલૂન પાછળનો ખર્ચ મોંઘો થશે. સોમવારે યોજાયેલી યુનિયનની બેઠક અનુસાર સ્‍કિલ્‍ડ વર્કર્સ ધરાવતાં સેંલોં ભાવમાં ૫૦ ટકા સુધીનો, જયારે (સર્ટિફિકેશન વિનાનાં) અનસ્‍કિલ્‍ડ વર્કર્સ ધરાવતાં સેલોં ભાવમાં ૩૦ ટકા વધારો કરશે.

કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે સંખ્‍યાબંધ ઉદ્યોગોને તાળાં લાગી ગયાં હતાં. સલૂન અને બ્‍યુટીપાર્લર પણ એમાંથી બાકાત રહ્યાં નહોતાં.

સેલોં, બ્‍યુટીપાર્લર વર્કર્સ યુનિયનના પ્રેસિડન્‍ટ પ્રકાશ ચવાણે જણાવ્‍યું હતું કે ‘અમારા માટે એ ઘણો કપરો સમય હતો. કામ શરૂ કરવા માટે અમે અમારા માટે સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સની માગણી કરી હતી, પણ તમામ ઉદ્યોગોની સાથે જ અમને કામ કરવાની છૂટ મળી હતી. જોકે મહામારીમાં ગ્રાહકો પણ મુશ્‍કેલીમાં હોવાથી અમે ભાવ નહોતા વધાર્યા.

સંગઠનની વિમેન વર્કર્સ વિંગનાં પ્રમુખ પ્રિયંકા મોરેએ જણાવ્‍યું હતું કે ‘૨૦૨૧માં અનલોક પછી ઘણી મહિલા બ્‍યુટીપાર્લરના માલિકોએ ભાવવધારો કરવા માટે અમારો સંપર્ક કર્યો હતો, પણ અમે તેમને કહ્યું હતું કે આ યોગ્‍ય સમય નથી. હવે જયારે ફુગાવો વધી રહ્યો છે અને સાધનસામગ્રી મોંઘાં થઈ રહ્યાં છે ત્‍યારે અમારે ભાવવધારો કરવા સિવાય છૂટકો નથી. આ ઉદ્યોગ શહેરની હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડે છે અને ભાવવધારાથી તેમને થોડી રાહત મળશે.'

ભાવવધારો વપરાશમાં લેવાતી સામગ્રીને આધીન હોવા છતાં ઓફર કરવામાં આવતી પ્રીમિયમ સર્વિસ અને સ્‍થળને ધ્‍યાનમાં રાખીને માલિકોને ભાવ વધુ વધારવાની પરવાનગી અપાઈ છે.

ઇસ્‍ટર્ન સબર્બમાં ફોર-સીટર નામનું સેલોં ધરાવતા સંતોષ મોહિતેએ જણાવ્‍યું હતું કે ‘લોકડાઉન પહેલાં હું ૨૦ રૂપિયા વધારતો તો પણ ગ્રાહકોને ખૂંચતું હતું. આથી મેં એ જ ભાવ રાખ્‍યો હતો. હવે છેલ્લાં બે વર્ષમાં શોપનું ભાડું ૨,૦૦૦ રૂપિયા જેટલું વધી ગયું હોવાથી ભાવ વધારવા સિવાય બીજો વિકલ્‍પ નથી. મારે મારા વર્કર્સને પણ વેતન ચૂકવવું પડે છે. ભાવવધારાને કારણે મને થોડી નાણાકીય રાહત મળશે.

(3:49 pm IST)