Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

યુપીની જેલમાં કેદીઓની ભીડ ઘટાડવા નવી જેલોના નિર્માણ સાથે જૂની જેલોમાં નવી બેરેક બનાવાશે

લખનૌ,તા.૨૨:ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે રાજયની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધારે સંખ્‍યાની સમસ્‍યાને પહોંચી વળવા નવી જેલોના નિર્માણ સહિત જૂની જેલોમાં નવી બેરેક બનાવવાનો આદેશ આપી દીધો છે. રાજય સરકારના એક પ્રવક્‍તાએ જણાવ્‍યું કે, મુખ્‍યમંત્રીએ મંત્રીપરિષદ સમક્ષ ગૃહ, જેલ, હોમગાર્ડઝ, સચિવાલય વહીવટીતંત્ર અને નિમણૂંક અને કર્મચારી વિભાગોની કાર્ય યોજનાની રજૂઆત બાદ નિર્દેશ આપતા જણાવ્‍યું કે, જેલોમાં કેદીઓની ક્ષમતા કરતાં વધારે સંખ્‍યાની સમસ્‍યાના નિરાકરણ માટે જૂની જેલોમાં નવી બેરેક બનાવવાનું નિર્માણ કરવામાં આવે.
તેઓએ કહ્યું કે, અમરોહા, સંભલ, શામલી અને મુઝફફરનગરમાં જિલ્લા જેલોના નિર્માણ માટે જમીન ખરીદવામાં આવે. મુખ્‍યમંત્રીએ કહ્યું કે અમેઠી, હાથરસ, ઔરેયા, હાપુડ, ચંદૌલી, ભદોહી, અમરોહા, સંભલ, કુશીનગર, મહોબામાં જિલ્લા જેલોના નિર્માણની પ્રક્રિયા શરૂ થવી જોઈએ
હાલમાં યુપીમાં ૭૩ જેલ આવેલી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્‍યુરોના તાજેતરના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશની જેલોમાં સરેરાશ ૧૭૭ કેદીઓ છે, જયારે રાષ્ટ્રીય સરેરાશ ૧૧૮ છે. મુખ્‍યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજયમાં કેદીઓને સમય પહેલાં મુક્‍ત કરવા અંગેની વર્તમાન નીતિમાં સંશોધનની જરૂરિયાત છે. તેને આગામી ૧૦૦ દિવસમાં કરી લેવું જોઈએ.
યોગી આદિત્‍યનાથે એ પણ સૂચના આપી હતી કે, જેલની સુરક્ષા માટે મહત્તમ ટેક્‍નોલોજીનો ઉપયોગ કરવામાં આવે. તેઓએ કહ્યું કે, સો દિવસમાં સાત વિડિયો કોન્‍ફરન્‍સિંગ એકમો ફરીથી સ્‍થાપિત કરવામાં આવે અને જેલના મુખ્‍યાલયમાં મલ્‍ટિ-કોન્‍ફરન્‍સ યુનિટની સ્‍થાપના કરવી જોઈએ.

 

(4:09 pm IST)