Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

અમરનાથ યાત્રા પહેલા ધાર્મિક સ્‍થળો પર હુમલા થઇ શકેઃ ગુપ્‍તચર રિપોર્ટ

જમ્‍મુઃ સુંજવા ના તાજા હુમલા પછી આખા જમ્‍મુ કાશ્‍મીરમાં હાઇ એલર્ટ જાહેર કરવાની વાત કહેવાઇ રહી છે તેમ છતાં આખુ રાજય ભયભીત છે. ખાસ કરીને પ્રસિધ્‍ધ ધાર્મિક સ્‍થળોની આસપાસ રહેનારા અને કાશ્‍મીર ખીણના રહેવાસીઓ, ધાર્મિક સ્‍થળોના વિસ્‍તારમાં રહેનારાઓને આતંકવાદી હુમલાની પુનરાવૃતિનો ડર છે તો કાશ્‍મીરમાં કાર બોમ્‍બનો ભય લોકોના ચહેરા પર દેખાય છે.
અધિકારીઓએ દાવો કર્યો છે કે સુંજવાના તાજા હુમલા પછી આખા રાજયમાં સાવચેતી વધારી તો દેવાઇ પણ ગુપ્‍તચર એંજન્‍સીઓના સમાચારના કારણે દહેશત ફેલાઇ રહી છે. તેમનું કહેવું હતુ કે કેટલાક લોકો દ્વારા ગુપ્‍તચર રિપોર્ટોને મહત્‍વ અપાયા પછી લોકો પોતાને અસુરક્ષિત માની રહ્યા છે.
ગુપ્‍તચર રિપોર્ટમાં કહેવાયુ છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રા પહેલા અથવા તો યાત્રા દરમ્‍યાન દહેશત ફેલાવવાના મકસદથી જમ્‍મુ કાશ્‍મીરમાં પણ ધાર્મિક સ્‍થળો પર હુમલા કરી શકે છે. આમ તો રઘુનાથ મંદિર પર બે વાર આતંકવાદી હુમલો થઇ ચૂકયો છે. વૈષ્‍ણોદેવી ગુફા સુધી પણ આતંકવાદીઓ ઘણીવાર પહોંચી ગયા પણ દરેક વખતે સુરક્ષાદળોને સફળતા મળી હતી. તાજા રિર્પોટો અનુસાર, વૈષ્‍ણોદેવીનું તીર્થધામ આતંકવાદીઓના લીસ્‍ટમાં સૌથી ઉપર છે.
અધિકારીઓ પણ માને છે કે બહુ મોટા ભૂભાગમાં ફેલાયેલ વૈષ્‍ણોદેવી તીર્થ સ્‍થળની સુરક્ષા કરવાનું શકય પણ નથી. ચારે બાજુ પહાડી વિસ્‍તાર હોવાના કારણે આતંકવાદીઓ ઘણીવાર શોર્ટકટ રસ્‍તાનો ઉપયોગ કરીને ગુફાથી માત્ર એક દોઢ કીલો મીટરના અંતરે પહોંચી ચુકયા હતા.
આવી જ સ્‍થિતી અન્‍ય ધાર્મિક સ્‍થળોની પણ છે. જમ્‍મુનું રેલ્‍વે સ્‍ટેશનન પણ બે હુમલાઓ અનુભવી ચુકયું છે. લોકોની આસ્‍થા ઓછી નથી થઇ પણ દહેશત અને આંતકનું સામ્રાજય ફરીથી ફેલાઇ રહ્યું છે. આવું જ સામ્રાજય કાશ્‍મીર ખીણમાં પણ રોજ ફેલાય છે જયારે કાર બોમ્‍બ લઇને ફરતા આતંકવાદીઓના સમાચાર ફેલાય છે.
આતંકી હુમલાઓ પછી કાશ્‍મીર ખીણ પરેશાન છે કેમ કે છેલ્લા ઘણા દિવસોથી એવી અફવાઓ ઉડતી રહે છે કે કેટલીક કારો ચોરાઇ છે જેનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કાર બોમ્‍બ તરીકે થઇ શકે છે. કોઇ પણ વ્‍યકિત આ અફવાઓને હળવાશ એટલે નથી લેતુ કેમ કે અત્‍યાર સુધીમાં કાશ્‍મીર ૩૦૦ થી વધારે કાર બોમ્‍બ હુમલાઓ સહન કરી ચુકયું છે અને તેમાં સેંકડો લોકોના જીવ પણ ગયા છે.
પરિસ્‍થિતી નિયંત્રણમાં નહીં હોવાનું કહેવાય રહ્યું છે. અધિકારીઓ માને છે કે સુરક્ષાદળોની સફળતાએ આતંકવાદીઓના પગ ઉખેડી નાખ્‍યા છે તેની ફરીથી જમાવવા તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જેના માટે તેઓ જયાં મોકો મળે ત્‍યાં ચૂકવા નથી માંગતા.

 

(4:17 pm IST)