Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટ તરફથી રાહત: મુંબઈ પોલીસને કાર્યવાહી નહિ કરવા નિર્દેશ

મહારાષ્ટ્રના ધુલેમાં નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં કોર્ટે તેમને ધરપકડથી રક્ષણ આપ્યું:કોર્ટે ઠપકો આપતા કહ્યું - કોઈપણ નિવેદન આપતા પહેલા તેમના ઉચ્ચ પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ.

મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નારાયણ રાણેને ઠપકો આપ્યો હતો અને કહ્યુ કે, કે તેઓએ કોઈપણ નિવેદન આપતા પહેલા તેમના ઉચ્ચ પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઈને નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં કોર્ટે આ વાત કહી હતી. પરંતુ બીજા જ દિવસે એટલે કે આજે કોર્ટે તેમને મોટી રાહત આપી છે. કોર્ટે તેમને આગામી બે સપ્તાહ સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. મહારાષ્ટ્રના ધુલેમાં નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં કોર્ટે તેમને ધરપકડથી રક્ષણ આપ્યું છે.

આ દરમિયાન કોર્ટે નારાયણ રાણેને આ નિર્દેશ આપ્યો છે કે, કે તેઓએ કાયદા મુજબ વર્તન કરવું જોઈએ. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નારાયણ રાણે વિરુદ્ધ બે અઠવાડિયા સુધી કોઈ કાર્યવાહી ન કરે. નારાયણ રાણેએ ધુલે જિલ્લામાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માગ કરી હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં નારાયણ રાણેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખબર નથી કે સ્વતંત્રતા દિવસ ક્યારે છે? , આટલું કહીને નારાયણ રાણેએ તેમને કાન નીચે એક થપ્પડ મારવાની ધમકી આપી હતી. આ પછી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને જામીન મળી ગયા હતા.

 

નારાયણ રાણે તરફથી હાજર રહેલા એડવોકેટ સતીશ માન શિંદેએ કોર્ટને તેમની સામેની તમામ ફરિયાદો એક સાથે સાંભળવાની માગ કરી હતી. ન્યાયાધીશ સમક્ષ માત્ર ધુલેનો મામલો હતો. તેથી આ સંદર્ભમાં કોર્ટે નવેસરથી અરજી દાખલ કરવા જણાવ્યું છે. ધુલે કેસમાં રાહત મેળવવા માટે રાણે દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને સીએમ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે તેઓ બંને મહત્વપૂર્ણ પદો પર છે. તેથી, પરસ્પર સમાધાન અને વાતચીત દ્વારા તેમના વિવાદોનો અંત લાવવાની સલાહ આપવામાં આવી હતી.

મુંબઈ હાઈકોર્ટમાં આજે ફરી ધુલે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાણેની કાર્યવાહી ન કરવા અંગે રાજ્ય સરકાર કોઈ નક્કર ખાતરી આપવામાં અસમર્થતા વ્યક્ત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પોતાના આદેશને ઢાલ આપતા કોર્ટે તેમની ધરપકડ પર બે સપ્તાહ માટે રોક લગાવી દીધી છે.

 

(7:39 pm IST)