Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મહારાષ્ટ્રના પ્રધાન પાસેથી પાંચ કરોડની ખંડણી માગી

મહારાષ્ટ્રના પ્રધાને પોલીસમાં ફરિયાદ નોંધાવીઃધનંજય મુંડે પાસે ખંડણી માગનાર મહિલાએ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન કર્યો હતો

મુંબઈ, તા.૨૨ :મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન અને એનસીપી નેતા ધનંજય મુંડેએ પોલીસ સ્ટેશનમાં એક મહિલા વિરૂદ્ધ ૫ કરોડ રૃપિયાની ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર એક પરિચિત મહિલાએ ધનંજય મુંડે પાસેથી ૫ કરોડ રૃપિયાની માંગણી કરી હતી. ધનંજય મુંડેએ પોતાની ફરિયાદમાં મહિલા વિરૂદ્ધ પૈસા ન આપવા પર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલામાં મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ખંડણીની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હાલ મામલો તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. હવે સવાલ એ પણ ઉઠે છે કે એક મંત્રી પાસે ૫ કરોડનો હપ્તો માંગનારી મહિલા કોણ છે?

કેબિનેટ મંત્રી ધનંજય મુંડેને ધમકાવનાર અને તેમની પાસેથી ૫ કરોડ રૃપિયાની માંગણી કરનાર મહિલાએ તેમને ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન કર્યો હતો. ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કર્યા બાદ મહિલાએ તેની પાસે પાંચ કરોડની દુકાન અને મોંઘા મોબાઈલ ફોનની માંગણી કરી હતી. મહિલાએ ધમકી આપી હતી કે જો માંગ નહીં સંતોષાય તો ધનંજય મુંડેને સોશિયલ મીડિયા પર બદનામ કરી દેશે. આ ધમકી બાદ ધનંજય મુંડેએ એક ઓળખીતા વ્યક્તિ મારફતે મહિલાને ત્રણ લાખ રૃપિયા અને એક મોંઘો મોબાઈલ ફોન કુરિયર દ્વારા મોકલ્યો હતો. જો કે આ પછી પણ મહિલાએ ધનંજય મુંડે પાસેથી પાંચ કરોડ રૃપિયાની માંગણી ચાલુ રાખી હતી. જે બાદ ધનંજય મુંડેએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ધનંજય મુંડે વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં મહિલાએ તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પરંતુ બાદમાં મહિલાએ ઇન્ટરનેશનલ કોલ દ્વારા મુંડે પાસે પૈસાની માંગણી શરૃ કરી. આ સંદર્ભે મહિલાએ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ મામલાની તપાસ શરૃ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં બહાર આવશે કે આ મહિલા કોણ છે?

(8:15 pm IST)