Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

રોહિણી કોર્ટમાં વકીલ-પોલીસ વચ્ચે બોલાચાલી બાદ ફાયરિંગ

દિલ્હીની રોહિણી કોર્ટમાં વકીલ-સુરક્ષા કર્મી વચ્ચે બબાલઃસુરક્ષા કર્મચારી દ્વારા કરાયેલા ફાયરિંગથી ૨ વકીલોને ગોળી વાગી, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

 નવી દિલ્હી, તા.૨૨: દિલ્હીની રોહિણી કોર્ટ બહાર ગોળીબારની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ વકીલ અને કોર્ટની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારી વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન બોલાચાલી બાદ ફાયરિંગ થયું હતું. સુરક્ષા કર્મચારી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી ૨ વકીલોને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે.

રોહિણી કોર્ટના પરિસરમાં ફરી એક વખત ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. કોર્ટની બહાર વકીલ અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન બોલાચાલી થઈ હતી. ફાયરિંગ દરમિયાન ૨ વકીલોને ગોળી વાગી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રોહિણી કોર્ટમાં શૂટઆઉટ અને બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ થઈ ચુકી છે.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ રોહિણી કોર્ટમાં ગોળીબાર થયો હતો અને ગેંગવોરની ઘટના બની હતી. તેમાં ટિલ્લુ તાજપુરિયા ગેંગના ૨ લોકોએ જિતેન્દ્ર માન ઉર્ફે ગોગી (ગોગી ગેંગના લીડર)નો જીવ લીધો હતો. જોકે પોલીસે તે બંને બદમાશોને પણ ઢેર કરી દીધા હતા. દિલ્હી હાઈકોર્ટે રોહિણી કોર્ટમાં થયેલા ગોળીબાર મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું.

સ્પેશિયલ સેલના જવાનોએ વકીલના વેશમાં આવેલા બદમાશો જે જિતેન્દ્ર ઉર્ફે ગોગીના સાથે હતા તેમના પર જવાબી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં બંને હુમલાખોર ઢળી પડ્યા હતા. આ દરમિયાન એક મહિલા વકીલ પણ ઘાયલ થઈ હતી. સમગ્ર ઘટનાક્રમમાં ૩૫-૪૦ ગોળીઓ છૂટી હતી. કોર્ટ નંબર ૨૦૬ની બહાર આ પ્રકારની ઘટના બની હતી.

(8:25 pm IST)