Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ હજુ ખતમ થયો નથી ત્યાં નવો વિવાદ ઉભો થયો : અમરાવતીના સાંસદ મહિલા નવનીત રાણા તેમના ધારાસભ્ય પતિ સાથે ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન 'માતોશ્રી' ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મક્કમ

મુંબઈ : મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ હજુ ખતમ થયો નથી ત્યાં  નવો વિવાદ ઉભો થયો છે. અમરાવતીના સાંસદ મહિલા તથા પૂર્વ અભિનેત્રી નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ જાહેરાત કરી છે કે માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. માતોશ્રી મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું ઘર છે. મુંબઈ પોલીસે નવનીત રાણા અને તેના પતિને કલમ 149 હેઠળ નોટિસ મોકલી છે.

નવનીત રાણા અને તેના પતિ શુક્રવારે મુંબઈ પહોંચી ગયા છે. માતોશ્રીની સામે હનુમાન ચાલીસા વાંચવાના સમાચાર સાથે જ મોટી સંખ્યામાં શિવસૈનિકો માતોશ્રી ઉપરાંત મુંબઈની આસપાસના વિસ્તારોમાં એકઠા થવા લાગ્યા છે. શિવસૈનિકોએ રાણા દંપતીને માતોશ્રી પહોંચીને બતાવવાનો પડકાર ફેંક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર રાણા દંપતી ખારમાં તેમના ઘરે રહે છે. ઝોન-9 ડીસીપી મંજુનાથ સેંગેએ કાયદો અને વ્યવસ્થા બગડવાના ડરથી રાણા દંપતીને નોટિસ આપી છે. પોલીસે નોટિસમાં લખ્યું છે કે જો કાયદો અને વ્યવસ્થા કોઈપણ રીતે બગડશે તો તેના માટે રાણા દંપતી જવાબદાર રહેશે.

અગાઉ એવી ધારણા હતી કે રાણા દંપતી ટ્રેનમાં આવશે પરંતુ શિવસૈનિકોએ તેમને સીએસટી સ્ટેશન પર જ રોકવાની યોજના બનાવી હતી. શિવસૈનિકોના વિરોધને કારણે રાણા દંપતી ફરીથી ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. રાણા દંપતી હાલમાં નંદગીરી ગેસ્ટહાઉસમાં રોકાયા છે, જેની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં શિવસૈનિકો પણ માતોશ્રીની સામે એકઠા થયા છે અને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે.

રાણા દંપતીએ પણ પીછેહઠ કરી હોવાના કોઈ સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે રાણા દંપતી લગભગ 500 કાર્યકરો સાથે માતોશ્રી પહોંચવાનો પ્રયાસ કરશે. રવિ રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને હનુમાન ચાલીસા ગાવાનો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જો તેઓ આમ નહીં કરે તો તેઓ માતોશ્રીની સામે હનુમાન ચાલીસા ગાશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)