Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

હવે કોલ રેકોર્ડ કરવા મુશ્કેલ થશે : ગૂગલ લેવા જઈ રહ્યું છે મોટું પગલું : ગૂગલની નવી પોલિસી 11 મેથી લાગુ થશે : ત્યારબાદ એન્ડ્રોઇડ ફોન પર થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ બંધ થઈ જશે

જો કે યુઝર્સ પોતાના ફોનમાં ઇનબિલ્ટ રહેલી કોલ રેકોર્ડિંગની સુવિધા થકી આરામથી કોલ રેકોર્ડ કરી શકશે

મુંબઈ : ઘણા લોકો કોલ રેકોર્ડિંગને લઈને ખૂબ જ બેચેન હોય છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી કોલ રેકોર્ડિંગ એપ્સ પણ ફ્રીમાં ઉપલબ્ધ છે, જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગૂગલે કોલ રેકોર્ડિંગ શરૂ થતાં જ યુઝર્સને એલર્ટ આપવાનું શરૂ કરી દીધું છે અને હવે સમાચાર છે કે કંપની તેને સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે. આ નવી પોલિસી 11મી મે 2022થી લાગુ થશે.

Reddit યુઝરના દાવા મુજબ, ગૂગલ ટૂંક સમયમાં એક અપડેટ જાહેર કરશે જેના પછી એન્ડ્રોઇડ ફોનમાં કોલ રેકોર્ડિંગ બંધ થઈ જશે. આ તકે નોંધ લેવી રહી કે કોલ રેકોર્ડિંગ ફીચર પહેલાથી iPhoneમાં નથી. ગૂગલની નવી પોલિસી 11 મેથી લાગુ થશે, ત્યારબાદ એન્ડ્રોઇડ ફોન પર થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ બંધ થઈ જશે.

આ પહેલીવાર નથી જ્યારે ગૂગલે કોલ રેકોર્ડિંગને બંધ કરવાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ એન્ડ્રોઇડ 10 સાથે, ગૂગલે તેના ફોનમાંથી કોલ રેકોર્ડિંગ ફીચર હટાવી દીધું હતું. ગૂગલનું કહેવું છે કે યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીના સંદર્ભમાં ફોનમાં કોલ રેકોર્ડિંગ હોવું યોગ્ય નથી.

વિવિધ દેશોમાં કોલ રેકોર્ડિંગ માટે અલગ અલગ કાયદા છે. ગૂગલના આ નિર્ણય પછી, Truecaller અને ACR જેવી ઘણી થર્ડ પાર્ટી એપ્સે ફોન કોલ્સ રેકોર્ડ કરવા માટે Accessibility API નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જોકે Google ટૂંક સમયમાં કોલ રેકોર્ડ માટે Accessibility API નો ઉપયોગ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગૂગલના આ નિર્ણયનો અર્થ એ નથી કે યુઝર્સ હવે કોલ રેકોર્ડ કરી શકશે નહીં. જો તમારા ફોનમાં કોલ રેકોર્ડિંગની સુવિધા છે તો તમે આરામથી કોલ રેકોર્ડ કરી શકશો, પરંતુ તમે અન્ય કોઈપણ એપ દ્વારા કોલ રેકોર્ડ કરી શકશો નહીં. તમને જણાવી દઈએ કે સેમસંગ થી લઈને OnePlus, Xiaomi જેવી તમામ કંપનીઓના ફોનમાં ઈન-બિલ્ટ કોલિંગ રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ છે.

(10:38 pm IST)