Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

RBIએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને 36 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ : ગ્રાહકોની સુરક્ષા સંબંધિત નિયમોના ઉલ્લંઘનનો આરોપ

ગ્રાહક સુરક્ષા – અનધિકૃત બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોની મર્યાદિત જવાબદારી પર અમુક સૂચનાઓનું પાલન નહિ કરવા બદલ કાર્યવાહી

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે ગ્રાહક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરકારી ધિરાણકર્તા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર 36 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે તેણે 18 એપ્રિલ 2022ના રોજ જાહેર કરેલા આદેશમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર 36 લાખ રૂપિયાનો નાણાકીય દંડ લગાવ્યો છે. આ દંડ તેમણે ગ્રાહક સુરક્ષા – અનધિકૃત બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોની મર્યાદિત જવાબદારી પર અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કર્યો છે.

રેગ્યુલેટરે કહ્યું કે આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ક્ષતિઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે નિર્ણય લેવાનો નથી.

RBI એ 31 માર્ચ 2020 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતું. તેમાં સૂચનાઓનું યોગ્ય પાલન ન થયું હોવાનું સામે આવ્યું હતું. બેંક નોટિફિકેશનની તારીખથી 10 કામકાજના દિવસોમાં ગ્રાહકના ખાતામાં અનધિકૃત ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં સામેલ રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી. નિયમનકારે જણાવ્યું હતું કે તેણે બેંકને નોટિસ મોકલી છે, જેમાં જણાવેલ નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવો જોઈએ તેનો જવાબ આપવાનું સૂચન કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોટિસના બેંકના જવાબને ધ્યાનમાં લીધા પછી અને ખાનગી સુનાવણીમાં કરવામાં આવેલી મૌખિક રજૂઆતો અને તેના દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતોની તપાસ કર્યા પછી, આરબીઆઈ આ નિષ્કર્ષ પર આવી છે કે RBI ની સૂચનાઓનું પાલન ન કરવાના આરોપને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેના પર યોગ્ય નાણાકીય દંડ લાદવામાં આવે છે.

અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલની શરૂઆતમાં ચાર સહકારી બેંકો પર દંડ લગાવ્યો હતો. દંડની રકમ 4 લાખ રૂપિયા છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, આ સહકારી બેંકો સામે નિયમનકારી નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહી અવારનવાર થાય છે અને જે બેંકો રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરતી નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. કાર્યવાહીમાં દંડ ઉપરાંત, પ્રતિબંધો પણ લાદવામાં આવે છે.

 

(11:16 pm IST)