Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ઇઝરાયેલમાં ફરીથી પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ : પોલીસ પર પથ્થરમારો કરતા તંગદિલી : અનેક ઘાયલ

અલ-અક્સ મસ્જિદમાં હજારો પેલેસ્ટાઈની નાગિરકો નમાઝ અદા કરવા ઉમટી પડયા એ વખતે પેલેસ્ટાઈનના કેટલાય હમાસ સમર્થિત યુવાનોએ ઈઝરાયેલના સુરક્ષાદળોના જવાનો ઉપર પથ્થરમારો કર્યો

ઈઝરાયેલમાં ફરીથી પોલીસ જવાનો અને પેલેસ્ટાઈનના નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. શુક્રવારની નમાઝ માટે મસ્જિદમાં હજારો લોકો એકઠા થયા હતા, એમાંથી કેટલાય લોકોએ ઈઝરાયેલના પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયા છે

ઈઝરાયેલમાં મુસ્લિમ અને યહૂદીઓ વચ્ચે ઘર્ષણનો ઈતિહાસ બહુ જૂનો છે. બંનેના પવિત્ર તહેવારો ચાલતા હોવાથી છેલ્લાં ઘણાં દિવસથી તંગદિલી સર્જાઈ છે. શુક્રવારે અલ-અક્સ મસ્જિદમાં હજારો પેલેસ્ટાઈની નાગિરકો નમાઝ અદા કરવા ઉમટી પડયા હતા. એ વખતે પેલેસ્ટાઈનના કેટલાય હમાસ સમર્થિત યુવાનોએ ઈઝરાયેલના સુરક્ષાદળોના જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો.

સુરક્ષાદળો ઉપર પથ્થરમારો થયા બાદ પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, જેમાં બે ડઝન કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના સાક્ષીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ધાર્મિક સ્થળના દરવાજા પાસે ઈઝરાયેલી પોલીસ જવાનો પહેરો આપી રહ્યા હતા. બરાબર એ જ વખતે નમાઝ અદા કરવા એકઠાં થયેલા લોકોમાંથી કેટલાકે પથ્થરમારો કર્યો હતો. એ પછી સુરક્ષા વધારી દેવાઈ હતી અને હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીઅરગેસ છોડયો હતો, તેમ જ લાઠીચાર્જ પણ કર્યો હતો.

ગયા સપ્તાહમાં પણ ઘર્ષણની આવી ઘટના બની હતી. રમજાન દરમિયાન નમાઝ માટે અસંખ્ય લોકો અલ-અક્સ મસ્જિદ પરિસરમાં ઉમટી પડે છે. બીજી તરફ યહૂદીઓનો ઈસ્ટરનો તહેવાર નજીક હતો એટલે તેમના પવિત્ર સ્થાને યહૂદીઓ પણ આવે છે. બંને પવિત્ર સ્થળો એક જ પરિસરનો હિસ્સો હોવાથી થોડા દિવસ પહેલાં પણ ઘર્ષણ થયું હતું. એ સમયે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

(12:14 am IST)