Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ફ્રાંસ અને સ્વીત્ઝર્લેન્ડની સરહદે વિશ્વનું મહાકાય 27 કિમી લાંબુ લાર્જ હાઇડ્રોન કોલાઇડર મશીન ફરીથી થયું શરુ

આ મશીન 3 વર્ષ બાદ મહામારી પછી પ્રથમ વખત કાર્યરત:આ મશીનમાં સૃષ્ટિની રચના માટે જવાબદાર ગણાતા સૌથી નાના કણ ગોડ પાર્ટિકલની શોધ કરવામાં આવી હતી જેને હિગ્સ બોઝોન એવું નામ અપાયું હતું

ફ્રાંસ અને સ્વીત્ઝર્લેન્ડની સરહદે માણસ દ્વારા બનાવવામાં આવેલું સૌથી મોટું મશીન ગણાતું લાર્જ હાઇડ્રોન કોલાઇડર ફરી શરુ થયું છે. આ મશીન 3 વર્ષના લાંબા ગાળાના અંતરાલ પછી શરુ થયું છે. કોરોના મહામારી પછી પ્રથમ વખત કાર્યરત થયું છે. આ મશીનમાં સૃષ્ટિની રચના માટે જવાબદાર ગણાતા સૌથી નાના કણ ગોડ પાર્ટિકલની શોધ કરવામાં આવી હતી જેને હિગ્સ બોઝોન એવું નામ આપવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિકો માને છે કે બિંગ બેંગ પછી આ કણથી જ બ્રહ્માંડ બન્યું છે.બ્રહ્માંડનું રહસ્ય શોધવાના પ્રયોગો હજુ પણ ચાલું જ રહયા છે. લાર્જ હાઇડ્રોન કોલાઇડર સાથે દુનિયાના વિવિધ દેશોના 10 હજારથી વધુ વિજ્ઞાનીઓ સંકળાયેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 27 કિમી લાંબુ મશીન ટેકનિકલ કારણોસર બંધ કરવામાં આવ્યું હતું. તેમાં ખામીઓ સુધારી લેવામાં આવતા ફરી શરુ કરવામાં આવ્યું છે. આ કોલાઇડરમાં ફરી પાર્ટિકલ સંશોધન કરવામાં આવશે.

આ મશીનને જરુરી એવી સંપૂર્ણ ગતિ પકડવામાં 6 થી 7 સપ્તાહનો સમય લાગી શકે છે. એક વાર શરુ થયા પછી લાર્જ હાઇડ્રોન કોલાઇડરમાં પ્રચંડ ઉર્જા પેદા થશે તે પછી ફીઝિકસ રિસર્ચ માટે ઉપયોગ કરવામાં આવશે. આ મશીન યૂરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યૂકલિયર રિસર્ચની લેબ દ્વારા સંચાલિત કરવામાં આવી રહયું છે. નોંધનિય છે કે 2008માં આ મશીન પ્રથમ વાર શરુ કરવામાં આવ્યું ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે એવી અફવા ફેલાઇ હતી.

(12:16 am IST)