Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ ભુરાયા : મજૂરોને નિશાન બનાવ્યા:બે મજૂર પર કર્યો ગોળીબાર

ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો:આતંકીઓની શોધખોળ શરૂ

શ્રીનગરમાં ફરી એકવાર આતંકીઓએ બહારના મજૂરોને નિશાન બનાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીનગરની બહાર આવેલા નૌગામમાં આતંકવાદીઓએ બે મજૂરો પર ગોળીબાર કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા. બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક છે.

ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ તેજ કરી દીધી છે. આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આજે સવારે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ CISFની બસ પર હુમલો કર્યો હતો. જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે સવારે લગભગ 4.15 વાગે આતંકવાદીઓએ 15 CISF જવાનોની બસ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલા બાદ જવાનોએ પણ તેમના પર ગોળીબાર કર્યો હતો, જે બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાની તપાસ હજુ ચાલી રહી હતી કે આતંકવાદીઓએ શ્રીનગરના નૌગામ વિસ્તારમાં બે મજૂરોને નિશાન બનાવ્યા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ આ વિસ્તારમાં ક્યાંક છુપાઈ ગયા હોવાના અહેવાલ છે.

 

આતંકવાદી હુમલાની માહિતી મળ્યા બાદ ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. હજુ સુધી કોઈ આતંકવાદીની ધરપકડ અંગે કોઈ માહિતી મળી નથી. આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બંને મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આવી જ બીજી ઘટના શુક્રવારે જમ્મુના બહારના વિસ્તારમાં બની હતી. અહીં આતંકીઓએ આર્મી કેમ્પ પાસે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. વડાપ્રધાન મોદીની સાંબા જિલ્લાની મુલાકાતના બે દિવસ પહેલા જ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.

એન્કાઉન્ટર વિશે માહિતી આપતાં જમ્મુના ADGP મુકેશ સિંહે કહ્યું કે જ્યારે પોલીસ અને CRPFના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે આતંકીઓએ ભારતીય જવાનો પર હુમલો કર્યો. તેણે કહ્યું કે અમને માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ વિસ્તારમાં છુપાયેલા છે અને કોઈ મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(12:48 am IST)