Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કેરળની કોર્ટે સગીરા પર બળાત્કાર બદલ ૬૬ વર્ષના વૃધ્ધને ૮૧ વર્ષની સજા ફટકારી

ફાસ્ટ ટ્રેક કોર્ટે રૂા. ૨.૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો : ઓકટોબર ૨૦૨૦માં પીડિતાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે આ કેસ સપાટી પર આવ્યો : તે સમયે તેને ૬ માસનો ગર્ભ હતો

ઇદુકકી તા. ૨૨ : કેરળમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ૬૬ વર્ષના વૃધ્ધને ૮૧ વર્ષની સજા ફટકારી છે. રાજ્યના ઇદુક્કી જિલ્લામાં સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવા બદલ તેમને આ સજા ફટકારવામાં આવી છે.

સ્પેશિયલ જજ ટી.જી.વર્ઘેસે બળાત્કારના પ્રત્યેક અપરાધ માટે ૨૦ વર્ષ, ગર્ભવતી બનાવવા બદલ ૩૦ વર્ષ અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફન્સ (પોકસો) કાયદા હેઠળ સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

જજે આ ચુકાદો આપતા વધુમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા આચરવામાં આવેલા અપરાધને કારણે પીડિતાના ભવિષ્યના શિક્ષણ, કૌટુંબિક જીવન અને આરોગ્ય પર વિપરીત અસર પડશે. જજે વધુમાં જણાવ્યું હતું કે, અપરાધ ગંભીરતાને જોતા અપરાધીની ઉંમર ભલે વધારે હોય તેને સજામાં રાહત આપી ન શકાય.

મહિલાનું અપહરણ કરવા બદલ પણ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા ઉપરાંત તેને ૨.૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

૧૫ વર્ષની પીડિતાને ઓકટોબર, ૨૦૨૦માં હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યારે આ કેસ સપાટી પર આવ્યો હતો. ડોકટરોએ તપાસ કર્યા પછી જણાવ્યું હતું કે, તે છ મહિનાની ગર્ભવતી છે.

આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આરોપી તેમનો પાડોશી છે અને પીડિતાના માતા-પિતા તેને સારી રીતે ઓળખે છે. પીડિતા ત્રીજા ધોરણમાં હતી ત્યારથી આરોપી તેના પર બળાત્કાર ગુજારતો હતો.

(3:09 pm IST)