Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

'અકિલા ઈન્ડિવા ઈવેન્ટ્સ - ગુજરાત્રી' દ્વારા આ વખતે દર્શકો માટે પિરસાયુ કંઈક નોખુ અનોખુ નઝરાણુ

ગુજરાતી સંગીતને પણ હિન્દી મ્યુઝીક જેટલું જ માન મળવું જોઈએ

LET’S TALK સિરીઝમાં મારી લાડકી... ગીતથી નામના મેળવનાર અને બોલીવૂડ - અર્બન ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ સંગીતકાર બેલડી સચિન - જીગર અને ગુજરાતી ફિલ્મો - રંગભૂમિના વિખ્યાત ડાયરેકટર વિપુલ મહેતા સાથે એક નોખો - અનોખો સંવાદ : આ ત્રણેય મહાનુભાવોએ પોતાના જીવનની અંતરંગ રસપ્રદ વાતો સંચાલક વિરલ રાચ્છ સાથે રજૂ કરીઃ અમારૂ વિઝન એ જ છે કે આગામી સમયમાં યુવાઓ ગુજરાતી ગીતો ગાવામાં કોઈ શરમ કે સંકોચ ન અનુભવેઃ હિન્દી અને અંગ્રેજી ગીતોની જેમ જ ગુજરાતી પણ ગણગણાવતા જોવા મળે : સચિન - જીગર ગુજરાતી ભાષા ખૂબ જ સુંદર છે, અમને જે મળ્યુ એ અમે થિએટરો અને ફિલ્મોમાં પીરસ્યુ : નાટક નિહાળવા આખો પરીવાર આવતો હોય છે, ગુજરાતી દર્શકોનો આપણી પાસે ખજાનો છે : મારી લાડકી અને વાલમ આવો રે... જેવા ગીતોની સફર હજુ ચાલુ જ છે અને ચાલુ રહેશે : સચિન - જીગર જલ્સા કરો જયંતિલાલ, હું તને પ્રેમ કરૂ છું, લાજવાબ, અમે લઈ ગયા અને તમે રહી ગયા, ઝીરો બની ગયો હિરો, એક છોકરી સાવ અનોખી જેવા અનેક થિએટરો આ ત્રણેયની જોડીએ સાથે કર્યા છેઃ અમારા ત્રણેયનો ધ્યેય એક જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત અને ગુજરાતી ગીતોને ટોચના લેવલે પહોંચાડવુ છે : વિપુલ મહેતા અમારા ત્રણેયની એક કોમન વાત છે કે અમે મધ્યમ વર્ગ પરીવારમાંથી આવીએ છીએ, હજુ પણ અમે સ્ટ્રગલ કરી રહ્યા છીએ, જીંદગીએ અમારી ખૂબ મજા લીધી છે : વિપુલ મહેતાઃ તેરી લાડકી મેં... છોડુંગી ના તેરા સાથ... આ ગીત સંગીતકાર સચિનની ૬ વર્ષની દીકરી તનિષ્કા, કિર્તીદાન ગઢવી અને રેખાએ ગાયેલુઃ ફિલ્મના ડાયરેકટર વિપુલ મહેતા તનિષ્કાને લક્કી માને છે અને પોતાની દરેક ફિલ્મમાં તનિષ્કા પાસે એક ગીત તો ગવડાવે જ છેઃ દર વખતની જેમ આ વખતે પણ વિરલ રાચ્છનું સંચાલન લાજવાબ રહ્યુ : તેઓના દીકરી 'લવની ભવાઈ' ફિલ્મથી અભિનયના ઓજસ પાથરશે

રાજકોટ : અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ-ગુજરાત્રી દર વખતે કંઈક નોખા - અનોખા કાર્યક્રમ પ્રસ્તુત કરે છે. જેનો હજારો દર્શકો ઘરે બેઠા ઓનલાઈન કાર્યક્રમને નિહાળે છે. ગત શનિવારે એટલે કે તા.૧૮-૭-૨૦૨૦ની ઢળતી સંધ્યાએ LET’S TALK સીરીમાં મારી લાડકી ફેઈમ અને બોલીવૂડ તેમજ અર્બન ગુજરાતી ફિલ્મોના   સફળતમ સંગીતકાર બેલડી સચિન અને જીગર તથા ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના વિખ્યાત ડાયરેકટર શ્રી વિપુલ મહેતા સાથે એક અલગ જ પ્રકારનો સંવાદ રાખવામાં આવેલ. જેમાં આ ત્રણેયની જુગલબંદીએ પોતાના જીવન અને કેરીયર અંગેની અંતરંગ વાતો દર્શકો સમક્ષ પીરસી હતી. આશરે દોઢ કલાક ચાલેલા આ કાર્યક્રમને દર્શકોએ ફેસબુક ઉપર મોજથી માણ્યો હતો. આ સમગ્ર ઓનલાઈન કાર્યક્રમની વિગતો અહિં પ્રસ્તુત છે.

 કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક શ્રી વિરલ રાચ્છે અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ વતી સૌ ભાવિકો, ચાહકોનું સ્વાગત કરતાં કહ્યું કે સમગ્ર લોકડાઉન દરમિયાન ગુજરાતી સાહિત્ય, કવિતા, ફિલ્મ કે કોઈપણ ક્ષેત્રના દિગ્ગજ લોકો સાથે તમને મળાવ્યા છે. એન્ટરટેઈનમેન્ટ કર્યા, કવિ સંમેલનો કર્યા પરંતુ આજની વાત થોડી જુદી નોખી - અનોખી છે. એ એટલા માટે છે કે ૧૯૩૧માં પ્રથમ બોલતી ફિલ્મ આવી 'આલમ આરા' એ સાથે જ ભારતીય સિનેમામાં નવ જેટલા ગીતો હતા. ત્યારબાદ આવ્યુ 'શીરી ફરહાદ' કે જેમાં ૪૨ ગીતો હતા અને ત્યારબાદ 'ઈન્દ્રસભા' ફિલ્મમાં ૬૯ જેટલા ગીતો હતા. ભારતીય સિનેમા જગતની સાથે ગીતો પણ આવ્યા. એમ કહેવાય છે કે આપણા ચારિત્ર્યનું ઘડતર, લિરીકસ તેના શબ્દોએ કર્યુ છે. સંગીતના માધ્યમથી કેટલી બધી રચનાઓ આપણને મળી છે.

'અકિલા'ના ચાહકોને જણાવતા આનંદ થાય છે કે સિનેજગતે ભારતમાં પગપેસારો કર્યો હતો ત્યારે શરૂઆતથી જ ગુજરાતી નિર્માતાઓ ઘણા બધા હતા. સંગીતનો પ્રભાવ બંગાળીઓનો હતો. આ દોરમાં કોઈ એક કે બે સંગીતકાર હોય કે જેણે એ દોરમાં પોતાની છાપ છોડી ગયા હતા. કલ્યાણજી આનંદજી, મજુમદાર, વિજુ શાહ હોય. એવા જ આપણા ગુજરાતના ગૌરવવંતા મ્યુઝીક ડીરેકટર કે જેઓએ સંગીતક્ષેત્રે પોતાની અગ્રીમ છાપ છોડી છે એવા મુંબઈના સચિન અને જીગર. આ સાથે વિપુલ મહેતા પણ ઉપસ્થિત છે કે જેઓએ ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં બ્લોક બસ્ટર ફિલ્મ આપી 'ચાલ જીવી લઈએ!' આ કાર્યક્રમમાં ડીરેકટર અને સંગીતકાર વચ્ચેના કોમ્બીનેશનની વાત કરવાની છે અને આ વિચાર વિપુલ મહેતાનો હતો.

આ સાથે સચિન જીગરે ખાટી મીઠી ગીત પીરસ્યુ હતું

સચિન અને જીગર મળ્યા એ પહેલા વિપુલ મહેતા મળી ચૂકયા હતા. (થિએટરના સંગીત માટે) વિપુલ અને સચિન કયા સંજોગોમાં મળ્યા, એ પહેલા શરૂઆતના સર્જનો હતા? આ પ્રશ્નના જવાબમાં વિપુલે કહ્યું સચિન એક શો કરતો હતો ત્યારે તે એકટીંગ પણ કરતો અને સંગીત પણ આપતો હતો. તેણે મને એકટીંગ કરવાની ઓફર પણ કરી હતી. ૧૯૮૮માં એક શો કરેલો ત્યારથી મારી અને સચિનની મિત્રતા થઈ ગઈ. ત્યારે સચિને મને કહેલુ કે જયારે પણ હું સંગીત ડીરેકટ કરૂ ત્યારે તું મારી સાથે ડાયરેકટર કરજે. ૨૦૦૧માં 'જલ્સા કરો જયંતિલાલ' સુપર ડુપર નાટક આપ્યુ. શો બાદ અમે સીડી પણ બહાર પાડતા જે ૫૦૦ જેટલી સીડીઓ વ્હેચાઈ જતી હતી. દિલીપ જોષીએ આ શોમાં લીડ રોલ કરેલુ.

ઉલ્લેખનીય છે કે વિપુલ મહેતાએ કોઈ ફિલ્મ કે ડ્રામા ઈન્સ્ટીટ્યુટમાં શીખીને નાટકોનું ડીરેકશન નથી કર્યુ. કોલેજ કાળથી તેઓ નાટકોનું ડીરેકશન કરતા હતા. વિપુલભાઈએ એક યાદ તાજી કરતાં કહ્યું કે 'જલ્સા કરો જયંતિલાલ'ના ગીતો બનાવવાના શરૂ કર્યા એની આગલી રાત્રે હું હોસ્પિટલે હતો અને બીજા દિવસે રેકોર્ડીંગ કરી ફરી હોસ્પિટલે ગયો હતો. આખી રાત સ્ટુડિયોમાં જ વિતાવી હતી.

સચિન અને જીગર કેમ મળ્યા? આ પ્રશ્નના જવાબમાં જીગરે કહેલ કે ૨૦૦૧માં હું રાજેશ રોશનને ત્યાં કામ કરતો હતો અને ત્યાં મારી સાથે અમિત ત્રિવેદી જોડાયા હતા. તેણે મને સચિન સાથે ઓળખાણ કરાવી હતી.

શરૂઆતમાં સારા સારા મોટા મ્યુઝીક ડીરેકટરો માટે મ્યુઝીક એરેન્જમેન્ટ કર્યુ છે. તેની થોડી વાત જણાવતા સચિન અને જીગરે જણાવેલ કે પ્રાઈમરી જોબ કમ્પોઝર ટ્યુનની છે. ધૂન બનાવવાનું કામ કમ્પોઝરનું છે. આજની તારીખમાં મ્યુઝીક કમ્પોઝર, મ્યુઝીક એરેન્જર, મ્યુઝીક પ્રોગ્રામર ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયુ છે અને એક જ વ્યકિત આ કામ કરી જાણે છે. વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન અમારા આઈડલ છે. પહેલા એવુ હતું કે કમ્પોઝર એક લાઈન બનાવે, મ્યુઝીક એરેન્જમેન્ટ નકકી કરે કે ગીત પાછળ ગીટાર વાગશે કે પ્યાનો વાગશે. ફલુટમાં કઈ ટાઈપનું પીસ આવશે. ફિલ્મના ડાયરેકટરને જે જોઈએ છે એ મુજબ મ્યુઝીક બનતુ પહેલાના ગીતોમાં સંગીત સાથે ટ્યુન જોવા મળતી. સંગીતકારની  નીચેની કેટેગરીને મ્યુઝીક પ્રોગ્રામર કહેવાય. આ પણ એક અગત્યની જે કેટેગરી કહેવાય છે.

જયારે મ્યુઝીક કોમ્પ્યુટર ઉપર રેકોર્ડ થવા લાગ્યુ. તબલા સહિતના સાઉન્ડ કોમ્પ્યુટરમાં થવા લાગ્યા. જયારે અમારી રાજેશ રોશન સાથે શરૂઆત થઈ ત્યારે પણ અનેક પ્રોગ્રામો આપ્યા હતા. મ્યુઝીક પ્રોગ્રામર, મ્યુઝીક એરેન્જ પછી હવે એવુ છે કે તમે મ્યુઝીક એરેન્જર હોય તો મ્યુઝીક પ્રોગ્રામીંગ આવડવુ જ જોઈએ. એથી વધારે પોતાનો વિડીયો શૂટ કરી જાણો તો તમે કમ્પલીટ પેકેજ ગણાવ.

વિપુલ મહેતાના કયા- કયા અને કેટલા નાટકો તમે કર્યા (જલ્સા કરો જેન્તીલાલ પછી)

આ પ્રશ્નના જવાબમાં વિપુલ મહેતાએ જણાવેલ કે પ્રેમ કરૂ છું, લાજવાબ, અમે લઈ ગયા, તમે રહી ગયા. ઝીરો બની ગયો હિરો, એક છોકરી સાવ અનોખી જેવા નાટકો અમે સાથે કર્યા હતા. સચિન અને જીગરના કમ્પોઝીશન ફ્રેશ હોય છે જે આજથી ૨૦ વર્ષ પહેલા મ્યુઝીક બનાવેલુ એ આજે પણ વિખ્યાત છે.

સચિને કહ્યું કે વિપુલભાઈની કામ કરવાની રીત ખૂબ જ અલગ છે. મેં તેના ડાયરેકશનમાં કામ કરેલુ છે. તે દરેક પાસાને સચોટ રીતે રજુ કરે છે. થીએટરમાં દર્શકોને એકદમ તમારી મુઠ્ઠીમાં રાખવાના હોય. એક પણ ગ્રીપ તૂટવી ન જોઈએ. પણ નાટકમાં આ લાઈન પછી મ્યુઝીક આવે. આ શબ્દો પછી મ્યુઝીક આવે, આવો ડાયરેકટર મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયો છે. તેઓએ ગુજરાતી થિએટરને ડીસીપ્લીન કર્યુ. કોઈપણ કામ 'ચલતા હૈ!' કરીને કરીશુ તો તેમાં સફળતા નહિં મળે પણ તેમાં મહેનત અને કવોલીટી પૂરેપૂરી આપવી પડે. વિજયભાઈએ ડીસીપ્લીન અને તેના પેશનથી થીએટરોમાં દર્શકોને મનોરંજન પૂરૂ પાડ્યુ છે.

વિપુલભાઈએ કહ્યું કે મેં ઘણા નાટકોમાં બેકસ્ટેજ કર્યુ છે. ઘણા કલાકારોના ચંપલ સંધાવ્યા છે. હું કોઈપણ જગ્યાએ હોવ સચિન મ્યુઝીક ઈન્સ્ટ્રુમેન્ટ લઈને રીક્ષામાં આવે અને અમે ત્યાં બેસીને મ્યુઝીક કમ્પોઝ કર્યુ છે એ અમારી સ્ટ્રગલ હતી અને અમે હંમેશા પેશન (કામ કરવાની ચાહના) સાથે જ કામ કર્યુ છે.

પ્રશ્ન : એક સમય હતો લીમીટેડ એડીશન હતો. હાલના સમયમાં તો મોબાઈલમાં મ્યુઝીક મોકલીને ફેરફાર કરી લઈએ છીએ. એ સમયમાં કેવી રીતે કામ કર્યુ અને તેના કોઈ એવા કિસ્સા હોય તો જણાવો?

જવાબ : મારી પાસે એક કિબોર્ડ હતું. તેની કિંમત ૩૦ હજાર હતી. મારા આખા પરિવારમાં સંગીતક્ષેત્રે કોઈ જ ન હતું. મારા પિતાએ ચેક આપતા મારી માતાને કહ્યું કે આ છોકરો કોઈ આડે પાટે તો નહિં ચડી જાય ને? ખરેખર વાત એ છે કે લીમીટેશન્સ હતી એ કે એક દાખલો આપુ છું નાટક જયંતિલાલ... માટે અમે એમ વિચાર્યુ કે જયંતિલાલ એક એવુ પાત્ર છે કે જે એકદમ એકસ્ટ્રા ઓર્ડીનરી વ્યકિત છે પણ એ મજાનો માણસ છે કે જેની સાથે પ્રેમથી વાત કરે તો તેના પ્રેમમાં પડી જાય. આ ભોળા પાત્ર માટે મેં એવો વિચાર આપ્યો કે લીરીકસ લખશુ પણ તેનાલી રામા જેવું મ્યુઝીક આપ્યુ. એ થીમ અમને મળી. અમે થિએટર કરીને ખૂબ જ આનંદ આવ્યો.

વિપુલ મહેતાએ કહ્યું કે 'અમે કરી ગયા તમે રહી ગયા'નું રેકોર્ડીંગ કરતા હતા ત્યારે હું બહાર સીગરેટ પીવા ગયો ત્યારે એક પાલખી નીકળી અને તેની ધૂન સચિનને સંભળાવી તેણે કહ્યુ હા ચાલે અને એમાંથી અમને ધૂન મળી. 'ઝીરો બની ગયો હિરો'માં બધા ટેન્શનમાં આવી ગયા હતા. એ પ્રસંગ પણ ખૂબ યાદગાર રહ્યો હતો. અમારા ત્રણેયમાં એક કોમન વાત એ છે કે અમે ત્રણેય મીડલ કલાસ ફેમીલીમાંથી આવીએ છીએ અને અમે હજુ પણ સ્ટ્રગલ કરી રહ્યા છીએ. જીંદગીએ અમારી બહુ જ મજા લીધી છે.

પ્રશ્ન : સચિન - જીગર નાટકને હજુ પણ કેટલો પ્રેમ કરે છે? આ બંનેએ બોલીવૂડની ઢગલાબંધ ફિલ્મોમાં અક્ષયથી માંડી સલમાન સાથે કામ કર્યુ છે. એના ગીતો પર ચાહકોએ પ્રેમ વરસાવ્યો છે છતાં પણ ગુજરાતી ફિલ્મ કે થિએટર શું છે કે જે તમને અહિં લઈ આવે છે?

જીગર - અમે ખૂબ જ સ્ટ્રગલ કર્યુ. ભારતમાં એક વસ્તુ ખૂબ જ ફેમસ છે કે કોઈ ઈમ્પોર્ટેડ વસ્તુ હોય તેની વધારે વેલ્યુ થાય તો આજે બોલીવૂડમાં પણ કોઈ ઈંગ્લીશ ગીત ગાય તો કે આ તો હોલીવૂડનો માણસ છે. એક વસ્તુ આપણા ગુજરાતીઓમાં પણ છે કે કોઈ ગુજરાતી બોલીવૂડ ફિલ્મ કરે ને તો એના તરફ વધારે ધ્યાન અપાય છે. અમે બોલીવૂડમાં એટલુ નામ કરીએ કે તેના પછી કોઈ ગુજરાતી ગીત બનાવીએ તો તેને જોવાની નજર બદલાય જાય. હું નાનો હતો ત્યારે મને એમ થતુ કે હું પણ કેમ સ્ટેજ ઉપર ગીટાર પકડીને ગુજરાતી ગીત ગાઈ શકતો નથી. કારણ કે એ સમયે ગુજરાતી ગીતો બનવાના બંધ થઈ ગયા હતા. આપણી ભાષાને આપણા લોકો જ આદર આપતા ન હતા.

સચિનનો અને મારો આઈડિયા એવો હતો કે આપણે આપણા યુથને ગુજરાતી ગીત ગાવા માટે રીઝન (કારણ) આપીએ અને અમારો પહેલો પ્રયત્ન હતો લાડકી... જેને ખૂબ જ પ્રેમ મળ્યો.

ત્યારબાદ અમને ખબર પડી કે ગુજરાતી ઓડીયન્સ હવે ગુજરાતી મ્યુઝીક સ્વીકારવા લાગી છે. અમારૂ વિઝન એ જ છે કે યુવાઓને આગામી સમયમાં ગુજરાતી ગીત ગાવામાં શરમ ન આવે. હિન્દી અને ઈંગ્લીશ ગીતની જેમ ગુજરાતી ગીતો પણ લોકો ગુનગુનાવે એ અમારો આઈડિયા છે. ૨૦૧૫માં ગુજરાતી ગીતોને હિન્દી ગીત સાથે મેડલી કરી અને પર્ફોમ કર્યુ હતું. ગુજરાતી સંગીતને પણ હિન્દી સંગીત જેટલુ માન - સન્માન મળવુ જોઈએ.

આ તકે વિપુલ મહેતાએ કહ્યુ કે હું સવારે વોકીંગ કરવા જાઉં ત્યારે માત્ર ને માત્ર સચિન - જીગરના જ ગીતો સાંભળુ છું. સચિને કહ્યુ કે ગુજરાતી ભાષા એટલી સુંદર છે કે મેં જીગર અને તેના પિતાને ગરબા, ભજનો ગાતા જોયા છે. જે આપણી ભાષા ઘડતરમાં ઘડાઈ ગયા અને અમને જે મળ્યુ એ અમે થીએટરમાં પીરસ્યુ છે. ગુજરાતમાં ફિલ્મી ક્ષેત્રે દુષ્કાળ જોવા મળ્યો હતો. ત્યારે મેં વિચાર કર્યો કે ગુજરાતી ઓડીયન્સ તો કેવુ ઓડીયન્સ છે કે એક વ્યકિત નાટક માણવા આખા પરીવારને લઈને આવે. ગુજરાતી ઓડીયન્સનો આપણી પાસે ખજાનો છે. મારી લાડકી તુ.... વાલમ આવો રે... જેવા ગીતોની મુસાફરી હજુ ચાલુ જ છે.

તમારી દરેક ફિલ્મોમાં કેમ તનિષ્કા જ ગાયક હોય છે? તેના જવાબમાં વિપુલ મહેતાએ કહ્યુ કે તે મારા માટે લક્કી છે. કેશર, કાળજાનો કટકો સુપરહીટ થઈ ગયુ. નોંધનીય છે કે સચિનની પુત્રીનું નામ તનિષ્કા છે અને હવે બહુ જલ્દી વારો જીગરનો પણ આવવાનો છે.

'મારી લાડકી' ગીત જયારે નેશનલ લેવલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અમે એવો વિચાર કર્યો કે એક દીકરીના નાનપણથી મોટા થવાની વાર્તા ગીતમાં રજૂ કરીએ અને નાના બાળકનો રોલ પ્લે કોણે કરવો તે એ તનિષ્કાનું અને સચિનનું રીઅલ કેરેકટર છે. સચિનનો અવાજ કીર્તીદાન ગઢવી અને મોટી તનિષ્કાનો અવાજ રેખાબેન કરે છે. આવી રીતે અમે ગીત રજૂ કર્યુ તે વખતે તનિષ્કા માત્ર ૬ વર્ષની હતી. એ વખતનો માહોલ ખૂબ જ સુંદર હતો. આજના લગ્ન સમારંભોમાં પણ લાડકી ગીત ચોક્કસપણે ગવાતુ જ હોય છે.

પ્રશ્ન : ટેમ્પરામેન્ટની દૃષ્ટિએ તમે ત્રણેય અલગ વ્યકિતઓ છો તો આ હેન્ડલ કેવી રીતે કરી શકો છો?

જવાબ : હું જયારે સ્ટુડિયોમાં આવુ ત્યારે જેવી રીતે ચંપલ કાઢીને બહાર મૂકી દઉ છું તેવી જ રીતે મારૂ ટેમ્પરામેન્ટ પણ મૂકી દઉં છું. કારણ કે હું માત્ર ને માત્ર કામ કરવા જાઉં છું અને એ લોકો માત્ર ને માત્ર કામ કરવા માટે આવે છે. તેમાં કોઈ ટેમ્પરામેન્ટ આવતુ નથી. દાયકાઓથી અમારી વચ્ચે કોઈ ભેદભાવ થયા જ નથી અમે એકબીજાને આદર આપીએ છીએ. અમારા ત્રણેયનો ધ્યેય એક જ હોય છે ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત અને ગીતોને ટોચ લેવલે પહોંચાડવુ છે. તેમ વિપુલ મહેતાએ જણાવેલ.

પ્રશ્ન : થિએટર અને ફિલ્મ એ બંનેનું ગ્રામર અલગ છે, તો થોડી પ્રેસેસની વાત કહેશો?

જવાબ : મેં અને જીગરે સાથે મળીને ઢગલાબંધ થિએટરો કર્યા છે. અમે સૌથી વધુ પ્રાધાન્ય સ્ક્રીપ્ટને આપીએ છીએ. નવા - નવા અખતરા કરવા માટે થિએટર બેસ્ટ છે એટલે તમારે નવો જાદુ પીરસવા માટે અખતરા કરવા પડે.

ચાંદને કહો કે આજે આથમી લે, ચાંદને કહો કે આજે આથમી લે... પણ વહી જાએ ના... સચિન અને જીગરે સુંદર ગીત પ્રસ્તુત કર્યુ હતું.

આ કાર્યક્રમ નિહાળી રહેલા દર્શન ઝવેરીએ પ્રશ્ન કર્યો કે હિન્દી અને ગુજરાતી ફિલ્મનું સંગીત પીરસવામાં ચેલેન્જ શું છે? આ પ્રશ્નના જવાબમાં સચિને કહ્યું કે હિન્દીમાં કંઈક નવું કરવા ચેલેન્જ ઓછી નથી. જયારે ગુજરાતીમાં પોસીબલીટીનો ભંડાર ભરેલો છે. ગુજરાતી ગીતો એટલે ગરબા, દાંડીયા એ તોડવા માટે જ અમે ગુજરાતી ગીતો બનાવવાના શરૂ કર્યા. પરીવારજનો માટે સંગીત પીરસતા હોય ત્યારે તે લોકોને શું ગમે છે એના ઉપર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે.

ત્યારબાદ વિજયભાઇએ કહ્યુ કે તેનું ઉત્તમ ઉદાહરણ હું 'ચાલ જીવી લઈએ નું આપીશ. તેમણે કહેલ કે ચાંદ ને કહો અને પાપા પગલી આ બે ગીતો દર્શકોને ખૂબ જ ગમી ગયા હતા.

ફિલ્મના ડાયરેકટર વિપુલ મહેતા અને સંગીતકાર સચિન એક સાથે હતા જયારે સંગીતકાર જીગરની તબિયત સારી ન હોય તેઓ તેના ઘરે હતા.

આ ત્રણેયની જુગલબંધીની નવી  ફિલ્મના પ્રોજેકટ વિશે વાત કરીએ

આ ત્રણેયની બેલડી એક નવી ફિલ્મ કરી રહી છે અને તેનું મ્યુઝીક પણ જરા હટકે છે. બેકગ્રાઉન્ડ પણ અલગ હશે. કોરોના બાદ આ ફિલ્મનું શૂટીંગ શરૂ થશે. સચિને કહ્યું કે વિપુલ મહેતા બાદ સંદીપ પટેલ સાથે પણ ફિલ્મ કરી રહ્યા છે. છેલ્લી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' હતી હવે 'શકુંતલા' રીલીઝ થશે જેમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હશે ત્યારબાદ પણ અનેક મ્યુઝીક આલ્બમ પણ રજૂ કરાશે તેમ જણાવેલ. સંદીપ પટેલની ફિલ્મ 'લવની ભવાઈ' આવી રહી છે. જેમાં વિરલ રાચ્છની દીકરી પણ રોલ નિભાવી રહી છે.

આ કાર્યક્રમ હજારો દર્શકોએ માણ્યો હતો અને તેઓએ પણ તેમના પ્રશ્નના જવાબ આપ્યા હતા. આશરે દોઢેક કલાકથી વધુ સમય આ કાર્યક્રમ ચાલ્યો હતો અને દર્શકોએ તેને મોજથી નિહાળ્યો હતો.

યુવાઓને શીખ

સારા કલાકાર થવા માટે ઉત્તમ માણસ થવું જરૂરી છે, દિલથી સાચા વ્યકિત છો તો તમે સાચા કલાકાર થઈ શકો છો

(10:43 am IST)