Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજા માનસિંહ હત્યાકાંડનો ૩૫ વર્ષે ચુકાદોઃ ૧૧ દોષિત ઠરેલા પોલીસ કર્મચારીઓને આજીવન કેદની સજા ફટકારાઇ

૧૯૮૫માં રાજસ્થાનના તત્કાલીન મુખ્ય પ્રધાન સામે પડેલાઃ માનસિંહ આત્મસમર્પણ કરવા જઇ રહ્યા હતા ત્યારે જ તેમના પર પોલીસે ગોળીઓ ચલાવી હત્યા કરી હતી : ખેડૂતોમાં રાજા તરીકે પ્રખ્યાત માનસિંહની હત્યા બાદ રાજસ્થાનમાં કોંગ્રેસે મુખ્ય પ્રધાનને બદલવા પડયા હતા

મથુરા, તા.૨૨: રાજસ્થાનના ભરતપુરના રાજા માનસિંહ હત્યાકાંડમાં ૩૫ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે અને ડીએસપી સહિત ૧૧ પોલીસકર્મીને દોષી ઠેરવવામાં આવ્યા છે  તેઓ બધાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. જયારે ત્રણને છોડી મુકવામાં આવ્યા છે. આ ચુકાદો મથૂરાની સેશન કોર્ટના ન્યાયાધીશ સાધના રાની ઠાકુર દ્વારા આપવામાં આવ્યો હતો. દોષી જાહેર થતા જ બધા અપરાધીઓને સુરક્ષા સાથે જેલ મોકલી દેવામાં આવ્યા છે.

રાજા માનસિંહ ખેડૂતોમાં રાજાના નામથી જાણીતા હતા, તેઓએ રાજસૃથાનના તત્કાલીન મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટર અને મંચને પોતાની જીપથી ટક્કર મારી દીધી હતી અને મંચને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસકર્મીઓએ તેમના પર ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી નાખી હતી.

આ ઘટના ૧૯૮૫માં બની હતી, ૩૫ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે અને બુધવારે બધા જ અપરાધીઓને સજા સંભળાવવામાં આવશે.  રાજા માનસિંહનું પોલીસે ફેક એન્કાઉન્ટર કર્યું હતું, જે પોલીસકર્મીઓ આ કેસમાં દોષી જાહેર કરાયા છે તેમાં સીઓ કાનસિંહ ભાટી, વિરેન્દ્ર સિંહ સહિત ૧૧ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

હત્યાકાંડ થયો તે બાદ રાજા માનસિંહના જમાઇ વિજયસિંહે હત્યાના આરોપી પોલીસકર્મીઓની સામે કેસ દાખલ કર્યો હતો. સમગ્ર મામલો જયપુર સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો પણ પીડિત પક્ષ દ્વારા રજુઆત કરાતા મામલાને ૧૯૯૦માં મથૂરાની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જયાં આટલા વર્ષોથી આ કેસ પેન્ડિંગ રહ્યો અને અંતે ૩૫ વર્ષ બાદ તેનો ચુકાદો આવ્યો છે.

રાજા માનસિંહની સાથે ઠાકુર સુમ્મેર સિંહ, હરી સિંહની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી કેમ કે રાજા માનસિંહની હત્યા બાદ લોકોમાં એટલો રોષ હતો કે રાજસ્થાનના મુખ્ય પ્રધાનને જ બદલી નાખવા પડયા હતા.

તે સમયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન શિવચરણ માથુર હતા અને કોંગ્રેસ હાઇકમાન્ડે હીરાલાલ દેવપુરીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. રાજા માનસિંહના પરિવારે હાર નહોતી માની અને આટલા વર્ષો સુધી તેઓ કેસ લડતા રહ્યા. જોકે જે પોલીસકર્મીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે તેઓમાંથી દ્યણા નિવૃત થઇ ગયા હશે અને કેટલાક વૃદ્ઘાવસ્થામાં પણ પ્રવેશ કરી ચુકયા હશે.

રાજસ્થાનના ભરતપુરના મહારાજા કૃષ્ણકુમારસિંહના પુત્ર માનસિંહ ફરી ચર્ચામાં છે. માનસિંહે રાજસૃથાનના તત્કાલીન મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટર અને મંચને પોતાની રોયલ જીપથી ટક્કર મારી હતી મંચને તોડી નાખ્યો હતો. જે બાદ જયારે તેઓ આત્મસમર્પણ કરવા જઇ રહ્યા હતા ત્યારે જ તેમની પોલીસે હત્યા કરી નાખી હતી.  

લંડનમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ભારત આવેલા માનસિંહે ૧૯૫૧માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને અપક્ષ ઉમેદવાર તરીકે વર્ષો સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા. તેઓ એટલા લોકપ્રિય હતા કે કોઇ પણ પક્ષ વગર ચૂંટણી જીતી જતા હતા. ૧૯૮માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી હતી જે દરમિયાન તેઓ ફરી મેદાનમાં હતા.

કોંગ્રેસે તેમની વિરૂદ્ઘમાં ડીંગ મત વિસ્તારમાં નિવૃત આઇએએસ અધિકારી બૃજેંદ્રસિંહને ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો જે દરમિયાન રાજા માનસિંહનો પોતાનો જંડો હતો જેને તેઓના પ્રતિક તરીકે પણ તેઓ ઉપયોગ કરતા હતા, આ ઝંડાને તેઓએ પોતાના મત વિસ્તારમાં લગાવ્યા હતા. જેને કોંગ્રેસના સમર્થકોએ ઉતારી નાખ્યા હતા અને ઝંડાનું અપમાન પણ કર્યું હતું.

ઝંડાના અપમાનથી ગુસ્સે ભરાયેલા માનસિંહે તે સમયના કોંગ્રેસના મુખ્ય પ્રધાન શિવચરણ માથુરના હેલિકોપ્ટર સાથે પોતાની જીપની ટક્કર મારી હતી. જે બાદ તેઓ મુખ્ય પ્રધાનના મંચ પાસે જીપ લઇને પહોંચી ગયા હતા અને તેને પણ તોડી નાખ્યો હતો.

(4:37 pm IST)