Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોના મહામારી કાબુમાં આવતા પૂર્વે વધુ વકરશે.... ટ્રમ્પ

ટ્રમ્પે સુત્ર આપ્યુઃ ''બી સેઇફ એન્ડ બી સ્માર્ટ'': માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ભીડવાળા સ્થળોએ જવાનું ટાળવા હાકલ

વોશિંગ્ટનઃ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના કાબુમાં આવતા પૂર્વે  વધુ ફેલાશે. કોરોના વાયરસ અંગે તેઓ પોતાનો હેવાલ આપી રહયા હતા.

 ટ્રમ્પે તમામ અમેરીકનોને મોઢુ ઢાંકવા પણ અનુરોધ કરાતા કહેલ કે તેની અસર જોવા મળશે. તેમણે દેશવાસીઓના રાષ્ટ્રભકિત દર્શાવવા પણ હાકલ કરેલ.

આ વિગતો આપતી વેળાએ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદે માસ્ક પહેર્યું ન હતુ. તેમણે અગાઉ માસ્કને સલાહભર્યું ન હોવાનું ગણાવી ઉપેક્ષા કરેલ હતી.

કોરોના વાયરસ સમગ્ર અમેરીકામાં મોઢુ ફાડી વધુને વધુ ફેલાય રહયો છે ત્યારે તેમના સહાયકોએ ટ્રમ્પને વધુ પગલાઓ અંગે દબાણ કર્યું છે.

ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતુ કે કોરોના કાબુમાં આવશેે અને સારો થઇ જશે તે પહેલા ખરાબ રીતે વધુ ફેલાશે.

ટ્રમ્પને આજે ડહાપણ દાઢ ફુટી હતી, તેમણે વારંવાર કહેલ કે અમે સહુને કહીએ છીએ કે જો સોશ્યલ -ફીઝીકલ ડીસ્ટન્સ રાખવુ શકય ન હોય તો માસ્ક પહેરો, માસ્ક મેળવી લ્યો. તમને માસ્ક ગમતો હોય કે ના ગમતો હોય, પણ તેની અસર ચોકકસ પડે છે. અને આપણા માટે અગત્યનું એ છે કે આપણે જો કંઇ થઇ શકે તે અને જે કાંઇ મળે તેમ હોય તે મેળવી ઉપયોગ કરીએ.

કોવિડ-૧૯ને એક સમયે ''ચાઇના વાયરસ'' કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ બ્રીફીંગ સમયે ખીસ્સામાંથી માસ્ક બહાર કાઢેલ પરંતુ પહેર્યું ન હતુ.

નવેમ્બરમાં ફરી ચુંટાવા માટે શાસક ડેમોક્રેટીક પાર્ટીના બીજી વખતના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ માટે રીપ્બકન પક્ષના જો બિડેનને પરાજય આપવો એ અત્યંત કપરૂ બની ગયું છે.

દરમિયાન ભયજનક રીતે અમેરીકામાં રોજના ૭૦ હજાર કોરોના કેસો વધી રહયા છે. સંખ્યાબંધ જાહેર સર્વેમાં, લોકોમાં ટ્રમ્પનો ગ્રાફ સતત નીચે ઉતરતો જાય છે. 

રાષ્ટ્રપતિપદે ફરી ચુંટાતા પૂર્વે ટ્રમ્પ માટે કોરોના કેસો ઓછા થવા લાગે, હોસ્પિટલો ઉભરાય છે તે ખાલી થવા લાગે, અમેરીકનો ફરી કામે લાગી જાય, સ્કુલો ફરી ખુલી જાય અને જીવન ફરી રાબેતા મુજબ ધબકવા લાગે તે ખુબ જરૂરી બન્યું છે. પરંતુ આ માટે હજુ લાંબો સમય લાગશે તે નકકી છે. પ્રેસ બ્રીફીંગ સમયે ટ્રમ્પ સાથે કોઇ મેડીકલ એકસ્પર્ટ હાજર રહેલ નહિ. તેણે તેની વાતો ટુંકી અને ચોકકસ મુદે ફોકસ કરી હતી. પત્રકારોનો પ્રશ્નોના જવાબો આપવાનું મોટાભાગે ટાળ્યુ હતુ.

ટ્રમ્પે કહેલ કે અમે અમેરીકનોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અને અત્યંત કડક ખાનપાનની ચરી પાળવા આગ્રહ રાખ્યો હતો. યુવા અમેરીકનોને ભરચકક બાર અને ઇન્ડોર મેળાવડાથી દુર રહેવા હાકલ કરી હતી. ''બી સેફઇ એન્ડ બી સ્માર્ટ'' નું સુત્ર આપેલ.

તેમણે મિડીયા સમક્ષ માસ્ક પહેરવાનો હિચકીચાટ દાખવતા કહેલ કે કેટલાક લોકો આવી રીતે મોઢું ઢાંકીને મારી સામે રાજકીય નીવેદનો કરતા હોય છે.

(11:37 am IST)