Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોના એટલે કાળઃ રાજકોટમાં વધુ ૬મોત

રાજકોટ છોટુનગરના રમેશભાઇ કારાવડીયા (ઉ.વ.૫૭), પેલેસ રોડના પરેશભાઇ બારભાયા (ઉ.વ.૬૫), ગોંડલના દાડીયાના બાબુભાઇ લીલા (ઉ.વ.૭૫) તથા વઢવાણના ઇબ્રાહીમભાઇ (ઉ.વ.૫૮), ધોરાજીના જમનભાઇ ઠેસીયા (ઉ.વ.૬૫) અને વંથલીના લક્ષ્મીદાસ ડેલાળાએ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દમ તોડ્યો : ચાર દિવસનો મૃત્યુઆંક થયો ૨૩

રાજકોટ તા. ૨૨: કોરોનાએ કાળ બની ત્રાટકવાનું યથાવત રાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે વધુ બે દર્દીઓના શ્વાસ કોરોનાને કારણે રૃંધાઇ ગયા છે. તો ત્રીજા એક દર્દીએ ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગોંડલના દાડીયા ગામના વૃધ્ધ અને વઢવાણના પ્રોૈઢના સિવિલના કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યા છે. જ્યારે રૈયા રોડ છોટુનગરના વૃધ્ધનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતાં ત્રણેય હતભાગીઓના સ્વજનોમાં શોક છવાઇ ગયો છે. કોરોના ફરી કાળ બનીને ત્રાટકયો હતો અને સવારથી બપોર સુધીમાં બીજા ત્રણ મોત થયા હતાં. જેમાં સિવિલમાં બે અને ખાનગીમાં એક દર્દીનું મોત થયું હતું. ધોરાજી, વંથલીના વૃધ્ધ તથા રાજકોટના વૃધ્ધનો સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલના દાડીયા ગામે રહેતાં બાબુભાઇ ગાંગુભાઇ લીલા (ઉ.વ.૭૫)નું રાત્રીના કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યું હતું. એ પછી બીજા દર્દી સુરેન્દ્રનગરના વઢવાણના ઇબ્રાહીમભાઇ દાઉદભાઇ નિરોલ (ઉ.વ.૫૮)એ પણ દમ તોડી દીધો હતો. આ ઉપરાંત રૈયા રોડ પર હનુમાન મઢી નજીક છોટુનગર-૬માં શ્રીજી કૃપા ખાતે રહેતાં રમેશભાઇ બાબુભાઇ કારાવડીયા (ઉ.વ.૬૬) ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. ત્યાં તેમનું સવારે મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત સવારથી બપોર સુધીમાં વધુ ત્રણ દર્દી કોરોનાનો કોળીયો થઇ ગયા હતાં. જેમાં ધોરાજી સ્ટેશન રોડ પર રહેતાં જમનભાઇ કેશુભાઇ ઠેસીયા (ઉ.વ.૬૫ ) તથા રાજકોટ પેલેસ રોડ જૈન દેરાસર પાસે રહેતાં પરેશભાઇ ગોરધનભાઇ બારભાયા (ઉ.વ.૬૫)ના સિવિલ કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યા હતાં. જ્યારે વંથલીના દર્દી લક્ષ્મીદાસભાઇ કુરજીભાઇ ડેલાળાએ ખાનગી હોસ્પિટલમાં સવા અગિયાર આસપાસ દમ તોડી દીધો હતો. સિવિલ કોવિડ સેન્ટર અને ખાનગી હોસ્પિટલની ટીમોએ મૃતદેહને પેક કરી અંતિમવિધી માટે ફાયર બ્રિગેડને સોંપ્યા હતાં.

નોંધનીય છે કે રવિ, સોમ અને મંગળવાર એમ ત્રણ દિવસના ૧૭ મોત થયા હતાં. ત્યાં વધુ ૬ મોત નિપજતાં ચાર દિવસમાં મૃત્યુઆંક ૨૩ થયો છે.

(3:21 pm IST)