Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ચીને જાણી જોઇને કોરોના આખી દુનિયામાં ફેલાવા દીધોઃ ડોનાલ્ડ ટ્રમ્પ નો ફરી આક્ષેપ

વોશ્ગ્ટનઃ ચીને કોરોના મહામારીને મામલે પારદશતા દાખવી ન હોવાનો આક્ષેપ કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બિજિંગ વાઇરસને દુનિયામાં ફેલાતો અટકાવી શકયું હોત પણ તેમણે એમ ન કરવાનું પસંદ કર્યું.

વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં પત્રકારોને ટ્રમ્પે જણાવ્યું હતું કે વાઇરસ ચીનથી આવ્યો છે. તેમણે તેને ચીનની બહાર જવા જ દેવો જોઇતો નહોતો. તેઓ તેને ફેલાતો સરળતાથી અટકાવી શકયા હોત. પણ તેમણે તેમ ન કરવાનું પસંદ કર્યું.

પ્રમુખ ટ્રમ્પે ઉમેર્યું હતું કે તેમણે વાઇરસને ચીનમાં પ્રસરતો અટકાવ્યો પણ તેમણે તેને બાકીની દુનિયામાં પ્રસરતાં ન અટકાવ્યો. તેમણે કોરોનાને યુરોપ અને અમેરિકા જતો ન અટકાવ્યો. તેઓએ આ મામલે પારદર્શક વ્યવહાર ન કર્યો. આ સારી વાત નથી.

તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારી એ દુનિયાભરની સમસ્યા છે અને અમેરિકા બીજા દેશોને વેન્ટિલેટર પુરાં પાડીને મદદ કરી રહ્યું છે. પણ હું લોકોને એ સમજાવવા માંગું છે કે આ વિશ્વવ્યાપી સમસ્યા ચીને ઉભી કરી છે.

દેશો ભયંકર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. અમેરિકામાં આ મહામારીમાં ૧,૪૧,૦૦૦ લોકોના મોત થયા છે. અમેરિકામાં પ્રથમ રાહત પેકેજની મુદત પુરી થવા સાથે ઇકોનોમીને વધારે ટેકો આપવા માટે નવેમ્બરની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય દબાણ વધી રહ્યું છે.

બીજી તરફ ચીને કોરોનાની રસીની બીજા તબક્કાની કલિનિકલ ટ્રાયલ પુરી કરી છે જેમાં તેમને રસી સલામત અને ઇમ્યુન સિસ્ટમ દ્વારા પ્રતિભાવ મેળવતી હોવાનું જણાયું છે. લેન્સેટ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે બિજિંગ પરંપરાગત રીતે આ રસી વિકસાવી રહ્યું છે. જેમાં પહેલેથી મોજૂદ વાઇરસને નિષ્ક્રિય કરવા માટે રસી આપવામાં આવે છે.

આ ટ્રાયલમાં ૫૦૮ જણે ભાગ લીધો હતો. જેમાંથી ૨૬૩ને રસીનો હાઇ ડોઝ, ૧૨૯ને લો ડોઝ અને ૧૨૬ને પ્લેસબો આપવામાં આવ્યો હતો. રસી આપ્યા બાદ ૩૦ મિનિટ સુધી સ્વયં સેવકોને નિરીક્ષણ હેઠળ રાખી રસીની કોઇ પ્રતિકૂળ અસર થાય છે કે કેમ તે તપાસવામાં આવ્યું હતું. તારણમાં જણાયું હતું કે હાઇ ડોઝ મેળવનાર ૯૫ ટકા સ્વયંસેવકોને અને લો ડોઝ મેળવનાર ૯૧ ટકા સ્વયંસેવકોને રસીના ૨૮ દિવસ બાદ ટી સેલ કે એન્ટીબોડી પેદાં થવાનો ઇમ્યુન પ્રતિભાવ મળ્યો હતો. દરમ્યાન ચીનના સત્ત્।ાવાળાઓએ જાહેર કર્યું છે કે ચીનમાં પ્રવેશતાં પૂર્વે દરેક જણે પાંચ દિવસ કરતાં વધારે જૂનું ન હોય તેવું કોરોના નેગેટિવ સટફિકેટ બતાવવું પડશે.

(3:59 pm IST)